હડતાલના સાતમા દિવસે વીજ કંપની દ્વારા કર્મચારીઓની માંગ સ્વીકારવામાં આવી
કર્મચારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશીની લાગણી વ્યક્ત કરી
( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરાની વીજ કંપનીની બહાર અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા શરૂ કરવામાં આવેલ હડતાલમાં આજે સુખદ સમાધાન થયું છે. વીજ કંપની દ્વારા સફાઈ કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં આવતા કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલી વિદ્યુત કોલોનીમાં ફરજ બજાવતા સફાઈ કામદારો વિવિધ પડતર માં માંગણી સાથે વીજ કંપનીની કચેરી બહાર પાંચ દિવસ ઉપર હડતાલ ઉપર બેઠા હતા. તો બીજી તરફ એક અધિકારીના પત્ની માનસિક ત્રાસ ગુજારતા હોવાના પણ આક્ષેપ થયા હતા. સફાઈ કર્મચારીઓના કહેવા મુજબ કોન્ટ્રાક્ટર ના કર્મચારીઓને અધિકારીઓને બંગલા અને ઓફિસોમાં સફાઈ માટે મોકલવામાં આવે છે અને સફાઈ કામદારો પાસે લોડીંગ અનલોડીંગ માડી કામ અને કડિયા કામ સહિતની કામગીરી પણ કરાવાતી હતી. આ ઉપરાંત ત્રણ વર્ષના બોનસ ડીફરન્સના નાણાં અને રજાઓ પગાર અને ઈએસઆઈસીના લાભ સહિતના પડતર પ્રશ્નોની માંગણીઓ સાથે અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી હતી. આજે હડતાલના સાતમા દિવસે વીજ કંપની દ્વારા કર્મચારીઓની માંગ સ્વીકારવામાં આવતા કર્મચારીઓમાં ખુશીની લાગણી છવાઈ હતી. કર્મચારીઓએ વિજયની ખુશીમાં એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું તેમજ હડતાલ સમેટી લીધી હતી.
