Vadodara

વડોદરા : વિદેશના વિઝા બનાવી આપવાનું કહી એજન્ટે રૂ,5.61 લાખ ખંખેર્યા, માંગણી કરતા થાય તે કરીલો રૂપિયા પરત નહીં મળે તેવી ધમકી

વડોદરા તારીખ 26
વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી મહિલાને વિદેશના વિઝા બનાવી આપવાના બહાને ઠગ એજન્ટ તેમની પાસેથી રૂ. 5.61 લાખ પડાવી લીધા હતા. પરંતુ ઘણો સમય થઈ ગયો તેમ છતાં કોઈ વિઝાની પ્રોસેસ એજન્ટએ કરી ન હતી. જેથી મહિલાએ એજન્ટ પાસે વારંવાર રૂપિયા પરત માંગ્યા હતા પરંતુ આપતો ન હતો અને તમારાથી થાય તે કરી લો હું રૂપિયા પરત નહીં આપું તેવી ધમકી પણ આપી હતી. જેથી મહિલાએ ઠગ એજન્ટ વિરુદ્ધ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી મા સ્મૃતિ સોસાયટીમાં રહેતા ભૂમિકાબેન પુરોહિતે વિદેશમાં અભ્યાસ કરવા માટે જવાનું નક્કી કર્યું હતું. જેથી ઘણા સમયથી વિઝા એજન્ટની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન વર્ષ 2022માં જુના પાદરા રોડ પર આવેલી લેન્ડમાર્ક કન્સલ્ટન્સી ઓફિસમાં તેમના પતિ સાથે ગયા હતા. તે દરમિયાન દંપતીનો દીપક અગ્રવાલ સાથે પરિચય થયો હતો. મહિલાએ તેમને વિદેશ જવા માટેની તૈયારી બતાવી હતી ત્યારે એજન્ટે જણાવ્યુ હતું કે તે પોતે વિઝા એજન્ટ છે, તમારા સ્ટુડન્ટ વિઝા અને પતિ તથા તેમની દીકરીનો પણ વિઝા કરાવી આપશે. ત્યારબાદ તેણે કામગીરી કરવા બાબતે શરૂઆતમાં માત્ર રૂ.25 હજાર જ પ્રોસેસ કરવા આપવાના રહેશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ જે યુનિવર્સિટીની ફી તથા વિઝા બાબતેની ફી થશે તમારે આપવાની રહેશે. એજન્ટ ડીસેમ્બર 2022 સુધી વિઝા બનાવી આપશે તેઓ વિશ્વાસ અપાવ્યો હતો અને અલગ અલગ શરતો બતાવી વિઝા બાબતનું કામ વહેલાસર કરી આપશે તેમ જણાવી તેમની પાસેથી વર્ષ 2023 થી 24 સુધીના સમયગાળા દરમ્યાન વિઝા પ્રોસેસ માટેની અલગ અલગ ફી ભરવાના રોકડા તથા ઓનલાઈન મળી રૂ. 5.61 લાખ પડાવી લીધા હતા. ઘણા મહિનાઓ થઈ ગયા હોવા છતાં એજન્ટે તેમના વિઝા માટેની કોઈ પ્રોસેસ કરી ન હતી. જેના કારણે મહિલાએ એજન્ટ દિપક અગ્રવાલ પાસે વારંવાર ફીના ચૂકવેલા રૂપિયા 5.61 લાખની માતબર રકમની અવારનવાર માંગણી કરતા હતા, પરંતુ એજન્ટ રૂપિયા પરત આપતો ન હતો. ઓગસ્ટ 2024મા એજન્ટ પાસે રૂપિયાની માંગણી કરી હતી ત્યારે તેણે તમારાથી જે થાય તે કરી લો તમારા રૂપિયા પરત મળશે નહિ તેવી ધમકી પણ આપી હતી. જેથી મહિલાએ ઠગ એજન્ટ દીપક અગ્રવાલે તેમની સાથે છેતરપિંડી કરી હોય તેના વિરુદ્ધ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ એજન્ટને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top