Vadodara

વડોદરા : વિકાસના નામે ખોદાયેલા ખાડાથી એક તરફી રસ્તો બંધ થતાં ટ્રાફિકની સમસ્યા,વાહનચાલકોને હાલાકી

મુજમહુડાથી અક્ષરચોક તરફ ચાલતી ગોકડગતિની કામગીરીથી ટ્રાફિકની સમસ્યા :

રોજ કમાઈ રોજ પેટિયું રડતા નાના મોટા વેપારીઓના ધંધા પર અસર :

( પ્રતિનિધિ )વડોદરા,તા.12

સ્માર્ટ સિટી વડોદરા નગરીને વધુ સ્માર્ટ બનાવવાની હોડમાં આખા શહેરમાં ઠેર ઠેર વિકાસના નામે ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. સમય મર્યાદા મુજબ આજદિન સુધી કામગીરી કરવામાં તંત્ર તદ્દન નિષફળ નીવડ્યું છે. ત્યારે, વાહનચાલકો અને જે તે વિસ્તારના લોકોને ઘણી મુશ્કેલી વેઠવાની ફરજ પડી રહી છે.

કહેવાતી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરે કોર્પોરેશન તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી હતી. લોકોને કરોડો રૂપિયાનું તંત્રના પાપે નુકસાન થયું હતું. પાણીને નીકળવાનો કોઈ રસ્તો નહીં મળતા પુરના પાણી શહેરમાં ફરી વળ્યાં હતા. આ પરિસ્થિતિ દર વર્ષે ઉદભવે છે. પણ આજદિન સુધી એસી કેબિનમાં કોર્પોરેશનમાં આરામ ફરમાવતા શાસકો અને અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. પ્રજા વેરો ટેક્ષ ભરે છે અને તેમાંથી જ વિકાસના કામો કરવામાં આવે છે અને માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવામાં આવે છે. આમાં વિકાસ કોનો શહેરનો તો થતો નથી. આ વખતે પણ શહેરમાં વિકાસના કામો સંદર્ભે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આવી જ એક કામગીરી શહેરના મુજમહુડાથી અક્ષર ચોક સુધી કરવામાં આવી રહી છે. જેના કારણે છેલ્લા ઘણા દિવસોથી ખાડા ખોદી એક તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે. આ રસ્તા પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોય છે. ત્યારે, વાહનચાલકો અને સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ જે રસ્તો બંધ કરવામાં આવ્યો તેની આસપાસ આવેલી વિવિધ દુકાનોના ધારકોને તેમના ધંધા પર અસર પડી રહી છે.

Most Popular

To Top