એકતાગરમાં રહેતા ત્રણ રીઢા આરોપીઓ વારસીયામાં ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા. પરંતુ સ્થાનિકોએ પૂછપરછ કરતા એક શખ્સ ભાગી ગયો હતો જ્યારે બે પકડાઇ જતા તેમના પર ઉશ્કેરાયેલા ટોળાએ હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય સારવાર હેઠળ છે. જેમાં પોલીસે મોબલીંચિંગનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે હુમલાખોરોની તપાસ શરૂ કરી છે. જેમાં આઠ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
આજવા રોડ પર આવેલા એકતાનગરમાં રહેતા ત્રણ રીઢા ગુનેગારો શહેબાજ, શાહિલ શેખ તથા ઇક્રમ ઉર્ફે અલી ચોરીના બાઇક લઇને વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા. પરંતુ ચોરો આવતા હોવાની વાતોને લઇને સ્થાનિક લોકો હથિયારો સાથે પોતાના વિસ્તારની રખેવાળી કરી હતી. તે દરમિયાન સ્થાનિકોએ ત્રણ શખ્સો શંકાસ્પદ લાગતા તેમની પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે તેઓ ભાગવા લાગ્યા હતા. જેથી ચોર ચોરની બુમો પડતા ટોળુ હથિયારો સાથે ધસી આવ્યું હતું જેમાંથી ત્રણ પૈકી બે શહેબાજ અને ઇક્રમ ટોળાના હાથમાં આવી જતા તેમના પર વિવિધ હથિયારોથી હિંસક હુમલો કર્યો હતો. જેમાં બંને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે એસએસજીમાં ખસેડાયા હતા. જેમાં શહેબાજનું મોત નિપજ્યું હતું. જ્યારે ઇક્રમ સારવાર હેઠળ છે. સાહિલને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે પોલીસે મોબલિચિંગનો ગુનો નોંધી ચોરો પર હુમલો કરનાર ટોળાની સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં ચહેરા ઓળખાતા 8 જેટલા હુમલાખોરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું ડીસીપી ઝોન -4 પન્ના મોમાયાએ જણાવ્યું હતું. જ્યારે હજુ અન્ય આરોપીઓની શોધખોળ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.