Vadodara

વડોદરા: વાડીમાં લુટારૂ ત્રાટકયા, દંપતી અને દીકરીના ગળા પર તલવાર મૂકી રૂ.7 લાખ મતાની લૂંટ

દંપતી ઘરમાં પ્રવેશ્યું ત્યારે લૂંટારા ઘરમાં હાજર હતા, જો બૂમરાણ મચાવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ખેલ પાડ્યો

વડોદરા તારીખ 30

નવરાત્રિના તહેવારને લઈને પોલીસ વિભાગ બંદોબસ્તમાં વ્યસ્ત હોય લૂંટારૂઓને મોકળું મેદાન મળી ગયું છે. વાડી વિસ્તારમાં રહેતો પરિવાર ગરબા જોવા માટે ગયો હતો. તે દરમિયાન લુટારૂ ત્રિપુટી તેમના ઘરમાં ત્રાટકી હતી.તલવાર સહિતના હથિયારો સાથે લૂંટારૂ ઘરમાં હાજર હતા તે દરમિયાન જ દંપતી મોડી રાત્રિના ઘરે પરત આવ્યું હતું. ત્યારે આ લૂંટારૂ ત્રિપુટીએ દંપતી અને તેમની દીકરીના ગળા પર તલવાર મૂકીને જો બૂમરાણ બચાવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી રોકડ રકમ અને સોનાના દાગીના મળી રૂપીયા 7 લાખ મતાની લૂંટ કરીને બાઈક પર બેસી ફરાર થઈ ગઈ હતી. ચુનારા પરિવારે લૂંટની ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે જેને લઈને સમગ્ર પોલીસ વિભાગ ઘરમાં મેદાનો સહિતના વિસ્તારોમાં બંદોબસ્તમાં જોતરાઈ ગયો છે. જેનો ફાયદો લુટારો તેમજ ચોરો ઉઠાવી રહ્યા છે. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા સુએજ પંપીંગ સ્ટેશન પાસે રહેતો ચુનારા પરિવાર પોતાના મકાનની લોખંડની જાળીને તાળું મારીને આઠમા નોરતે ગરબા જોવા માટે ગયો હતો અને મોડી રાત્રી સુધી ત્યાં રોકાયો હતો. તે દરમિયાન લુટારૂ ત્રિપુટી રાત્રિના એક થી દોઢ વાગ્યાના અરસામાં તેમના ઘરમાં ત્રાટકી હતી. લોખંડની જાળી નો નકુચો તારા સાથે કોઈ હથિયાર વડે કાપ્યા બાદ આ ત્રિપુટી ઘરમાં પ્રવેશી હતી અને તિજોરીમાંથી રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના ચોરી કરતી હતી. તે દરમિયાન જ દંપતી તેમની બાળકી સાથે ઘરે આવી પહોંચ્યું હતું. જાળીનો નકુચો તૂટેલો હોય દંપતી ઘરમાં પ્રવેશ્યું હતું ત્યારે આ લૂંટારૂ ત્રિપુટી તલવાર સહિતના હથિયારો સાથે ઘરમાં હાજર હતી.લૂંટારૂઓએ દંપતી અને તેમની દીકરીના ગળા પર તલવાર મૂકીને બુમરાણ મચાવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ઘરમાંથી સોનાના દાગીના અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવીને બાઈક પર બેસી લૂંટારૂ ત્રિપુટી ફરાર થઈ ગઈ હતી.

દંપતી પૈકી મહિલાએ જણાવ્યું હતું કે તલવાર સાથે ત્રણ લૂંટારૂ આવ્યા હતા અને મોઢા પર કપડું બાંધેલું હતું. અમે ઘરમાં આવ્યા ત્યારે લૂંટારૂ અમારા ગળા પર તલવાર મૂકી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અમારી તિજોરીમાંથી રોકડા ત્રણ લાખ અને સોનાના દાગીના મળી રૂ.7 લાખની માતાની લૂંટ ચલાવીને લૂંટારૂ ત્રિપુટી બાઈક પર બેસી ફરાર થઈ ગઈ હતી. તેથી પરિવારે લૂંટની ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top