પાણીગેટ અને ગાજરાવાડી ફાયર સ્ટેશનના જવાનોએ પરિસ્થિતિ સંભાળી :
શોર્ટ સર્કિટ થતા સમગ્ર ગોડાઉનમાં આગ પ્રસરી, સદનસીબે કોઈ હાજર નહીં હોવાથી જાનહાની થતા ટળી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર શાહીવિહાર કોમ્પ્લેક્સમાં આઈસ્ક્રીમ બનાવવાના ગોડાઉનમાં સોમવારે મોડી રાત્રે આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ કરવામાં આવતા પાણીગેટ અને ગાજરાવાડી ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

વડોદરા શહેરમાં વાવાઝોડા વચ્ચે શહેરમાં આગ લાગવાની ઘટનાઓ પણ બની હતી. ત્યારે સોમવારે મોડી રાત્રે વાઘોડિયા રોડ પુનમ કોમ્પલેક્ષ પાસે એક આઈસ્ક્રીમના ગોડાઉનમાં આગ લાગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા રોડ ઉપર પૂનમ કોમ્પલેક્ષની બાજુમાં આવેલા શાહીવિહાર કોમ્પ્લેક્સમાં આઈસ્ક્રીમ બનાવવાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગી હોવાના બનાવની જાણ થતા જ પાણીગેટ અને ગાજરાવાડી ફાયર સ્ટેશનના જવાનો સાથે એમજીવીસીએલની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને વીજ સપ્લાય બંધ કરી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથધર્યા હતા. શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા સમગ્ર ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ હતી. સદ્નસીબે રાત્રી દરમિયાન કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાની થતા ટળી હતી. જ્યારે બીજી તરફ આગની આ ઘટનામાં મોટું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. બનાવને પગલે વિસ્તારમાં લોક ટોળા ઉમટી પડ્યા હતા.