એસઓજીની ટીમે બંને વેપારી સાથે રાખીને વાઘોડિયા રોડ પર દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું, વિવિધ જગ્યા પરથી નશાકારક સિરપ તથા ટેબ્લેસ્ટ મળી રૂ. 49.85 લાખનો મુદ્દામાલ કબજે
પ્રતિનિધિ વડોદરા તા.20
વાઘોડિયા રોડ પર મેડિકલ સ્ટોરની આડમાં નશાકારક કોડીન સિરપ તથા ટેબ્લેટનો કાળો કારોબાર ચલાવનાર બે વેપારી એસઓજીએ ધરપકડ કરી હતી. બંનેને સાથે રાખીને વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિર પાસેથી દુકાનમાં તપાસ કરતા રૂ. 15.42 લાખનો એનઆરએકસ આલ્પ્રાઝોલમ ટેબ્લેટ્સનો જથ્થો ઝડપાયો હતો. આમ બંને વેપારીએ સંતાડી રાખેલી અલગ અલગ નશાકારક સિરપ તથા ટેબ્લેટ્સ સહિત રૂ. 49.85 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે રતીલાલ પાર્ક સોસાયટીમાં વિપુલ સતીષ રાજપૂતના મકાનમાં એસઓજી પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં નશાકારક કોડીન સિરપનો સહિતનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને વિપુલ રાજપૂત અને કેયુર રાજપૂતની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. પરંતુ 6 દિવસના રિમાન્ડ દરમિયાન આરોપી પૂછપરછમાં મોટા ખુલાસા થયા હતા. જેમાં પહેલા શ્રીપોર ટિંબી પાસેના ગોડાઉનમાંથી નશાકારક દવા થતા ટેબ્લેટ્સ મળી આવી હતી. ત્યારબાદ પણ એસઓજીને શંકા જતા વધુ કડકાઇથી પૂછતાછ કરી હતી. જેમાં બંનેએ હજુ એક દુકાન ભાડે રાખીને તેમાંથી નાર્કોટિક્સ તથા સાયકોટ્રોપિક ઘટક ધરાવતી ટેબ્લેટનો જથ્થો સંતાડી રાખ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી બંને આરોપીને સાથે રાખઈને એસઓજી દ્વારા વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિર પાસે અક્ષર અદૈત ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાનમાં ઔષધ નિરીક્ષક તથા એફએસએલની ટીમને સાથે રાખીને તપાસ કરી હતી. ત્યારે એનઆરએકસ આલ્પ્રાઝોલમ ટેબ્લેટ્સનો જથ્થો રૂ.15.42 લાખ ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ એસઓજી દ્વારા આ બંને આરોપીના રિમાન્ડ દરમિયાન અલગ અલગ જગ્યા પર સંતાડી રાખેલો કોડીન સિરપ ટેબ્લેટસ, ટ્રામાડોલ કેપ્સ્યુલ રૂ. 15.57 લાખ તથા એનઆરએક્સ આલ્પ્રાઝોલમ ટેબ્લેટ્સ રૂ. 15.42 લાખ તેમજ અન્ય વસ્તુઓ રૂ. 2.10 લાખ મળી રૂ. 49.85 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
– બંને આરોપીના રિમાન્ડ પુરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયાં
એસઓજી પીઆઇ એસ ડી રાતડાએ જણાવ્યું હતું કે વિપુલ રાજપૂત તથા કેયુર રાજપૂત દ્વારા વાઘોડિયા રોડ પરથી પ્રથમ રેડ દરમિયાન કોડીન સિરપ સાથે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ 6 દિવસના રિમાન્ડ મેળવીને અલગ અલગ ગોડાઉન તથા દુકાનમાં ચેકિંગ કરતા નશાકારક સિરપ તથા ટેબ્લેટ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. બંનેના 6 દિવસના રિમાન્ડ પુરા થતા તેમને ફરી કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા બંને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
