માંડવી સબ ડિવિઝનમાં આવતા હરણી સહિતના વિસ્તારોના લોકો ગરમીથી ત્રાહિમામ
કલાકો બાદ વીજ પુરવઠો કાર્યરત થતા લોકોએ રાહત અનુભવી
( પ્રતિનિધિ ) વડોદરા તા.8
વડોદરા શહેરના માંડવી સબ ડિવિઝનમાં આવતા ફતેપુરા પ્રેમદાસ બિલ્ડીંગ પાસે કેબલ વાયરમાં જોઈન્ટમાં ફાયર થઈ જવાના કારણે સમગ્ર ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં બુધવારે સવારથી હરણી સહિતના વીજ પુરવઠો ઠપ્પ થયો હતો. જેના કારણે લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.
વડોદરા શહેરમાં ગરમીનું તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે. જેના કારણે નગરજનો કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, બીજી તરફ ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકોના ઘરોમાં એસી, કુલર, પંખા 24 કલાક ધમધમી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામી સર્જાતા વીજ પુરવઠો ખોરવાતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. એમજીવીસીએલ ના ડેપ્યુટી એન્જિનિયર ના કહ્યા મુજબ ફતેપુરા વિસ્તારમાં આવેલ પ્રેમદાસ બિલ્ડીંગ પાસે વહેલી સવારે જોઈન્ટ કેબલમાં ફાયર થઈ જવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. કેબલ જમ્પર ઉડી ગયા હતા. જેના કારણે કેબલ છોડવા પડ્યા અને જોડવા પડ્યા હતા. વહેલી સવારની આ ઘટના હતી. જેના કારણે જેટલી સવારે થઈ એટલી કામગીરી હાથ ધરી અને ધીમે ધીમે કરીને કામગીરી પાર પાડી હતી. અંદાજિત દોઢ કલાક સુધી આ કામગીરી ચાલી હતી. જ્યારે હાલમાં ગેસ વિભાગ દ્વારા ગેસ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. ખોદકામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે પણ ઘણી જગ્યાઓ પર વીજ કેબલો કટ થઈ રહ્યા છે. જેને લઈને પણ ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદો મળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.