સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં સપાટો બોલાવવાનું શરૂ કર્યું, દારૂનો જથ્થો, 10મોબાઇલ, 7 મોબાઇલ સહિતના રૂ 5.80 લાખનો મુદ્દામાલ કબજે
કરજણ અને તાલુકા પોલીસના પીઆઇ અને પીએસાઇ સહિતના સ્ટાફ ઉંઘતો ઝડપાયો.
વડોદરા જિલ્લામાં કરજણ તાલુકાના વલણ તથા સિંધરોટ પાસે નેદાજીપુરાની કોતરમાં દરોડો પાડી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૂ.1.41 લાખના વિદેશી દારૂ સાથે બૂટલેગરો સાથે 5 લોકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે 6 લોકોને વોન્ટડે જાહેર કર્યા હતા. જ્યારે કરજણ અને તાલુકા પોલીસના પીઆઇ અને પીએસઆઇ સહિતના સ્ટાફ ઉંઘતો ઝડપાયો હતો. એસએમસીની ટીમે દારૂ, 10 મોબાઇલ, 7 વાહનો અને રોકડ રકમ મળી 5.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વડોદરા શહેર બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જિલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતા દારૂના અડ્ડાઓ પર રેડ કરી સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. જેથી દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગર સહિતના લોકોમાં ફફડાટ ફેલાયો છે. તાજેતરમાં લક્ષ્મીપુરા ગામમાં રેડ કરી બુટલેગર સહિત આઠ જણાને ઝડપી પાડ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે કરજણ તાલુકામાં આવેલા વલણ ગામે એપ્પલ રેસિડેન્સમાં દારૂનો ધંધો રાખી તેનું છુટક વેચાણ કરવામાં આવે છે. જેના આધારે એસએમસીની પીએસઆઇ જી આર રબારી સહિતની ટીમે વલણ ગામે રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી બુટલેગર ગણેશ મનોજ ઠાકોર (રહે. પાલેજ નવીનગરી ભરૂચ) તથા દારૂની હેરાફેરી કરનાર મેહબુબ ગુલામ મલેક (રહે. નવીનગરી, પાલેજ, ભરૂચ)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે મનોજ સોમા ઠાકોર (રહે. પાલેજ) અને ધમા ઠાકોર (રહે.હાથીબાગ નવાબજાર કરજણ)ને વોન્ટેડ જાહેર કર્યા છે. એસએમસીની ટીમે સ્થળ પરથી 95 હજારનો વિદેશી દારૂનો જથ્થો, 2 મોબાઇલ રૂ. 10 હજાર, બે વાહનો રૂ.1.50 લાખ અને રોકડા 15 હજાર મળી રૂ.2.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તેવી જ રીતે કરજણ પોલીસ જાણે કુંભકર્ણની નિદ્રામાં પોઢતી હોય તેમ ઉંઘતી ઝડપાઇ હતી. તેવી જ રીતે વડોદરા તાલુકાના સિંધરોટ ગામ નેદાજીપુરાની કોતરમાં એસએમસીની ટીમે રેડ કરીને 46 હજારના વિદેશી દારૂ સાથે સંજય સુથા પરમાર (રહે. ઉમેટા) અને મહેન્દ્રસિંહ રામસિંહ પરમાર (રહે. શેરખી) અને નરેશન મનુ ચુનારા (રહે. ભાથીપુરા)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે કરણસિંહ ખુમાનસિંહ ગોહિલ સહિત ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. એસએમસીએ દારૂ, પાંચ વાહનો, 8 મોબાઇલ અને રોકડ રકમ મળી રૂ.2.88 લાખનો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપાયો હતો.