Vadodara

વડોદરા : વરસતા વરસાદમાં રોડ પર ખાડા પૂરવા નિકળ્યું પાલિકા તંત્ર

વડોદરા :
મેઘરાજાએ જમાવટ કરી છે અને સતત ત્રણ ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં પાલિકાનું તંત્ર રોડ પર પડેલા ખાડા પૂરવા માટે જનતા સમક્ષ માત્ર દેખાડો કરવા માટે નીકળ્યું છે. અગાઉથી જ ખાડા પૂરવામાં આવ્યા હોત તો વરસતા વરસાદમાં આ ખાડા પૂરવાનું નાટક કરવું ના પડત. ચાલુ વરસાદ અને વાહનોની અવરજવરના કારણે ખાડા પૂરવા માટે નાખેલું મટીરીયલ પણ સ્થિર રહેવાનું નથી. જેના કારણે આ ખાડા પૂરવાની કામગીરી સદંતર નિષ્ફળ નીકળવાની છે.
વડોદરા શહેરમાં મેઘરાજાએ પધરામણી કરી છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અલગ અલગ વિસ્તારના નદીનાળા પણ પાણીથી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ચોમાસાના પ્રારંભથી જ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર ખાડા પડી જવાના કારણે રસ્તાની હાલત બિસ્માર બની ગઈ છે. ઘણા રસ્તા પર એટલી હદે એક સાથે ખાડા પડી ગયા છે કે લોકોને વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. ઘણા સમયથી પડેલા ખાડા પાલિકા દ્વારા પુરવામાં આવતા ન હતા અને હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘરાજા એ જમાવટ કરી છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા રોડ પર પડેલા ખાડા પૂરવા માટે મથામણ કરી રહ્યું છે. ત્યારે અગાઉથી જ રોડ ઉપર પડેલા ખાડા પૂરવામાં આવ્યા હોત તો ભર ચોમાસે વરસતા વરસાદમાં પોતાની માત્ર કામગીરી બતાવવા ખાડા પૂરવાનું નાટક કરીને કોની સામે દેખાડો કરી રહ્યા છો ? જનતા તમારા નાટકો તો જાણે જ છે. વરસતા વરસાદમાં ખાડા પૂરવા માટે નાખેલું મટીરીયલ પણ વાહનોની અવરજવરના કારણે સ્થિર રહેવાનું નથી. જેના કારણે આ રોડના ખાડા પૂરવાની કામગીરી સદંતર નિષ્ફળ જશે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

Most Popular

To Top