પોર હાઈવે પર 50 જેટલા શ્રમિકોને બેસાડી જીવ જોખમમાં મુકતો ટેમ્પો ચાલક :
RTO અને હાઈવે ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા :
( પ્રતિનિધિ ) વડોદરા તા.3
એક તરફ રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ નગરપાલિકાઓ અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે લોકોની સુરક્ષા ને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ હાઇવે ઉપર બેફામ લોકોને બેસાડી વાહનો પરિવહન કરતાં તત્વો સામે કાર્યવાહી ક્યારે કરશે. ત્યારે શ્રમિકોને બેસાડી એક ટેમ્પો ચાલક બેફામ ગાડી હાંકી રહ્યો હોવાનો વિડિયો વાયરલ થયો છે.
વડોદરામાં જોખમી સવારીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. એક તરફ જીવન સુરક્ષા માટે રાજ્યનું વહીવટી તંત્ર સફાળા જાગી ઉઠ્યું છે. નગરપાલિકાઓ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા ઠેર ઠેર ફાયર સેફ્ટી અને એનઓસીને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ખાનગી વાહન પરિવહન કરતા તત્વો બેફામ બન્યા છે. જાણે તેમની પર કોઈ લગામ જ રહી ન હોય તેમ વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી પોતાના વાહનો બેફામ હંકારી રહ્યા છે. પોતાનો જીવ તો ખરો જ સાથે લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે.
એક તરફ બાઈક કે અન્ય વાહન પર ત્રણ સવારી હોય તો ટ્રાફિક પોલીસ મેમો ફાડી દંડનીય કાર્યવાહી કરે છે. ફોરવીલ કારમાં પણ વધુ લોકો બેઠા હોય તો તેની સામે પણ કાર્યવાહી થતી હોય છે. ત્યારે વડોદરા નજીક પોર હાઇવે પર એક ટેમ્પામાં આશરે 50 જેટલા શ્રમિકોને બેસાડી પૂરપાટ ચાલક હંકારી રહ્યો હોવાનો એક વિડિયો પાછળથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી તરફ આ ટેમ્પો નો અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠ્યા છે.