Vadodara

વડોદરા : વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર આવેલી અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી 5 બાંગ્લાદેશી મળી આવ્યા

GUJARAT MITRA EXCLUSIVE

દંપતી અમદાવાદ ખાતે કચરો વીણવાનું તથા અન્ય એક શખ્સ સુરતમાં ભીખ માંગતો હોવાનું કબૂલ્યું

વડોદરા તારીખ 27
જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ઘુષણખોરી કરનાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જેને લઈને છુપી રીતે પ્રવેશ કરનાર ઘણા બાંગ્લાદેશીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો ઘણા પરત જવા ભાગવા લાગ્યા છે. ત્યારે 26 એપ્રિલના રોજ મોડી રાત્રીના 2.15 વાગ્યાના અરસામાં અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવતા તેમાં ચેકિંગ કરાયું હતું ત્યારે પાંચ જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા હતા. જેમાં પતિ-પત્ની તેમના બે બાળક અને અન્ય એક શખ્સનો સમાવેશ થાય છે. રેલવે પોલીસે તેમના આધાર પુરાવા ચકાસતા બાંગ્લાદેશના હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેમને ડીટેઇન કરીને હાલ રેલવે પોલીસ સ્ટેશન ખાતે રાખી આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામ ગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા ઘુષણખોરી કરનાર બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની વડોદરા શહેરની તમામ પોલીસ એજન્સીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે જેને લઈને પશ્ચિમ રેલવે માં પણ આવા ટ્રેનોમાં મુસાફરી કરતાં ઘુષણખોરીઓની તપાસ કરવા માટેની ડ્રાઈવ ચલાવવા માટે પશ્ચિમ રેલવે વડોદરાના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજકુમારી દ્વારા સુચના અપાઈ હતી. જેના આધારે રેલ્વે એલસીબી, એસઓજી અને પોલીસ સ્ટેશન વડોદરાના કર્મચારીઓ અલગ-અલગ ટીમો બનાવી ટ્રેનોમાં ચેકિંગ કરી રહ્યા હતા. દરમ્યાન 26 એપ્રિલના રોજ રાત્રીના 2.15 વાગ્યાના અરસામાં ટ્રેન નંબર-12833 અમદાવાદ હાવડા એકસપ્રેસ ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉ૫ર આવી ઊભી હતી. જેથી આ ટ્રેનમાં ચેકિંગ કરતા દરમ્યાન થ્રી ટાયર એસી કોચમાં 3 શખ્સો તથા 2 બાળકો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તેઓની પુછતાછ કરતા શરૂઆતમાં તેઓ યોગ્ય જવાબ આપતા ન હોય તેઓને ટ્રેનમાંથી ઉતારી સઘન પુછ૫રછ કરતા તેઓએ પોતે બાંગ્લાદેશી હોવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ તેઓ પાસે બાંગ્લાદેશી હોવાના પુરાવાની માંગણી કરતા તેઓએ પુરાવા રજુ કર્યા હતા. જેથી તેઓને વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે લાવી નામ બાબતે પૂછતાછ શરૂ કરી હતી ત્યારે તેઓએ ઓહીદુલ રૂસ્તમ શેખ, ૫રવિન ઓહીદુલ શેખ,મારૂ૫ ઓહીદુલ શેખ,શાહરૂખ ઓહિદુલ શેખ ( ચાર હાલ રહે.-ચંડોળા તળાવ પાસે, મોઇદર બાબાની દરગાહ પાસે, અમ્મા મૂરજીદની ગલીમાં, ઇસનપુર રોડ, અમદાવાદ, મુળ રહે.ગામ-ભાયડાંગા, થાના-કાલીયા, જી.નોરાઇલ, બાંગ્લાદેશ) અને મોહમદ શેરઅલી મોહમદ લૂતપાર શેખ (હાલ રહે.-સિદ્ધાર્થ ટોકિઝની પાછળ, અડાજણ પાટીયા, ઝૂંપડપટ્ટીમાં, સુરત મુળ રહે.ગામ-સીતારામપુર ચોક, પોસ્ટ-થાના-કાલીયા, જી.નોરાઇલ, બાંગ્લાદેશ) ના હોવાનું જણાવ્યુ હતું. બાંગ્લાદેશી દંપતિએ અમદાવાદ ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે ચોરી છુપીથી ઝૂંપડપટ્ટી બનાવી કચરો વીણવાનું કામ કરતા હોવાનું તથા શેરઅલી શેખે સુરત ખાતે ભીખ માંગવાનું કામ કરતા હોવાનું જણાવ્યુ હતું. પોલીસે તમામને ડીટેઇન કરી વડોદરા રેલવે સ્ટેશન ખાતે રાખી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Most Popular

To Top