માર્ગ પર નદી વહેતી થતા પાણીનો વેડફાટ

પાલિકા દ્વારા કામગીરી દરમિયાન વાલ્વ લીકેજ થયો હોવાની માહિતી

( પ્રતિનિધિ )વડોદરા,તા.28
વડોદરા મહાનગરપાલિકા તંત્રની ફરી એક વખત ઘોર બેદરકારી જોવા મળી છે. શહેરના દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ વડસર જીઆઇડીસી રોડ ઉપર પીવાના પાણીના વાલમાં લીકેજ થતા રોડ ઉપર નદી વહેતી થઈ હતી ઠેર ઠેર પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા.

કહેવાતી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકાનું તંત્ર તદ્દન ખાડે ગયું છે. પાલિકામાં જ એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. એક તરફ ગરમીનો પ્રકોપ છે, તેવામાં પાણીની માંગ ઉઠી રહી છે. તો બીજી તરફ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની નલિકાઓમાં લીકેજ થવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. જેના કારણે પીવાનું ચોખ્ખું પાણી વેડફાઈ રહ્યું છે. ત્યારે શુક્રવારે આવા જ એક પાણીની રેલમછેલ જોવા મળી હતી. વડોદરા શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ વડસર જીઆઇડીસી રોડ ઉપર પીવાના પાણીની લાઈનનો મુખ્ય વાલ્વ લીકેજ થતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. માર્ગ ઉપર પાણી ફરી વળતા ફૂટપાથ પર રોજ કમાઈને રોજ પેટીયુ રડતા માટલા,કુંડા સહિતના નાના વેપારીઓને ઘણી મુશ્કેલીઓ પડી હતી. ત્યારે આ માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા એક રીક્ષાના ચાલકે પાણીની રેલમછેલના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા અને પાલિકા તંત્રની પોલ ઉઘાડી પાડી હતી.

