નવાબજારના નાકે ભત્રીજાની હત્યા કરનાર હત્યારો કાકો લાજપોર જેલમાં સજા કાપતો હતો
વડોદરા તારીખ 11
વર્ષ 2019માં મંગળબજારમાં રહેતા બે ભાઈઓએ ભત્રીજાની જુના ઝઘડાની અદાવતમાં તલવાર અને ગુપ્તીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બે આરોપી પૈકી ચિરાગ પંડ્યાની ધરપકડ કરીને સુરત લાજપોર જેલ ખાતે મોકલી અપાયો હતો. દરમિયાન કેદીના દાદીનો અવસાન થતા તેની વિધિ માટે બે દિવસના વચગાળાના જામીન રજા લઈને બહાર આવ્યો હતો પરંતુ રજા પૂર્ણ થયા બાદ પરત જેલમાં હાજર નહીં થઈને ફરાર થઈ ગયો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ કેદી ને મંગળબજારમાં તેના ઘરેથી જ ઝડપી પરત સુરત જેલમાં સોંપ્યો છે.
વડોદરા શહેરના મંગળ બજાર કલા મંદિરના કાચામાં રહેતા ચિરાગ અશોક પંડયા તથા તેના ભાઇએ વર્ષ 2019માં નવાબજારના નાકે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી તેમના ભત્રીજા પર તલવાર તથા ગુપ્તી વડે જીવલેણ હુમલો કરી હત્યા કરાઈ હતી. સીટી પોલીસે ચિરાગ પંડયા ની ધરપકડ કરીને જ્યુડિશીયલ કસ્ટડી હેઠળ સુરત લાજપોર મધ્યસ્થ જેલમા મોકલી આપ્યો હતો. જેથી પાંચ છ વર્ષથી આરોપી પાકા કામના કેદી તરીકે જેલમાં સજા કાપતો હતો. દરમિયાન કેદીના દાદીના અવસાન થતા તેની વિધી માટે 26 અને 27 ફેબ્રુઆરીના રોજ વચગાળાના જામીન રજા લીધી હતી. ચિરાગ પંડ્યાને 25 ફેબ્રુઆરીના રોજ સુરત જેલખાતેથી વચગાળાના મુક્ત કરાયો હતો અને આ કેદીને તેની વચગાળા જામીન રજા પુરી થયા બાદ 28 ફેબ્રુઆરીના રોજ પરત લાજપોર મધ્યસ્થ જેલ સુરતમાં હાજર થવાનું હતુ. પરંતુ કેદી પરત સમયસર હાજર નહીં થઈને બારોબાર ફરાર થઇ ગયો હતો.ક્રાઈમ બ્રાન્ચ આ રીઢા કેદીની ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે તપાસ શરૂ કરી હતી ત્યારે બાતમી મળી હતી કે હાલમાં મંગળબજાર ખાતે કલામંદિરના ખાંચામાં આવેલા ઘરે હાજર છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે તાત્કાલિક મંગળબજાર ખાતે પહોંચી જઇ કેદીને ઝડપી પાડ્યો હતો અને સુરત લાજપોર જેલ ખાતે પરત સોંપવામાં આવ્યો છે.
