Vadodara

વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ

પ્રતિનિધિ | વડોદરા, તા.19

વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે 19 ડિસેમ્બરના રોજ વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. કુલ 37 પદો માટે યોજાયેલી આ ચૂંટણીમાં વકીલ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં વકીલો કોર્ટ સંકુલમાં ઉમટી પડ્યા હતા, જ્યારે ઉમેદવારોના સમર્થકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને માહોલ ઉત્સાહભર્યો બનાવવામાં આવ્યો હતો.

આધુનિક ટેકનોલોજીથી સજ્જ ચૂંટણી પ્રક્રિયા

આ વખતે વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં ભારતના ઇતિહાસમાં પ્રથમવાર વધુમાં વધુ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા રીઅલ ટાઇમ ડેટા, લાઇવ ટ્રેકિંગ સિસ્ટમ અને ઇન્ટરનેટ આધારિત અપડેટ્સ દ્વારા મતદાન પ્રક્રિયાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

લાઇવ અપડેટ્સથી બોગસ વોટિંગ પર અંકુશ

ચૂંટણી દરમિયાન સામાન્ય રીતે પરિણામો માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે, પરંતુ આ વખતે મતદાનની માહિતી ઇન્ટરનેટ પર લાઇવ અપડેટ કરવામાં આવી રહી છે. આ લાઇવ સિસ્ટમ માત્ર વડોદરા પૂરતી સીમિત નહીં રહી, પરંતુ ખાસ લિંક દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા લોકો પણ ચૂંટણી પ્રક્રિયા નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલું મતદાન થયું, કોણે મતદાન કર્યું જેવી મહત્વપૂર્ણ વિગતો લાઇવ ઉપલબ્ધ હોવાથી બોગસ વોટિંગની શક્યતા લગભગ નાબૂદ થઈ ગઈ છે.

મતદાન મથકો સીસીટીવીથી સજ્જ

ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે તમામ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા હતા. સાથે જ મતદારોની સુવિધા માટે કોર્ટ સંકુલમાં અલગ અલગ મતદાન મંડપોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કર્યા બાદ આજે મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top