નલીન પટેલ તથા હરમુખ ભટ્ટ વચ્ચે પ્રમુખ માટે જંગ જામશે
ઉપપ્રમુખ માટે નેહલ સુતરીયા સહિતના ચાર ઉમેદવારો વચ્ચે રસાકસી
પ્રતિનિધિ વડોદરા તા.10
વડોદરા વકીલ મંડળની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં પ્રમુખ માટે બે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આમ ઉપપ્રમુખ 4, જનરલ સેક્રેટરી 2, જોઇન્ટ સેક્રેટરી 2, લાઇબ્રેરી સેક્રેટરી 2, ખજાનચી તથા મેનિજિંગ કમિટીની આઠ પોસ્ટ મહિલા ઉમેદવાર માટે અનામત રખાઇ છે. જ્યારે મેનેજિંગ કમિટી માટે 19 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દેતા 37 ઉમેદવારોની ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરાતા બાર એસોસિએશનની ચૂંટણીનુ આખરે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.
વડોદરા વકીલ મંડળની આ વખતની ચૂંટણીમાં નવીન ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. જેમાં ફોટાવાળી મતદારોની મતદાર યાદી તૈયારી કરાઇ છે. એસોસિએશનની કુલ બેઠકોમાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખજાનજીની પોસ્ટ પણ મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં વકીલોએ પોતાના વિવિધ પદ માટે દાવેદારી નોંધાવી હતી. જેમાં તમામ ઉમેદવારીઓ ઉમેદવારી પત્ર ભરીને પોતાની દાવેદારી તમામ પદ માટે જાહેર કરી દીધી હતી. ત્યારે ચૂંટણી કમિશનર અલકાબેન જાદવ દ્વારા 37 ઉમેદવારોના નામ સાથેની ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. જેમાં એક પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું ન હતું. જેથી મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા 37 ઉમેદવારી ફોર્મને મંજૂર કરીને ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે.