વિવિધ 18 બેઠક માટે 43 વકીલ ઉમેદવારો મેદાનમાં :
મોડી સાંજ સુધીમાં પરિણામો જાહેર થવાની શક્યતા
( પ્રતિનિધિ )વડોદરા,તા.20
વડોદરામાં વકીલ મંડળની ચૂંટણી આજે યોજાઈ રહી છે. જેમાં 18 બેઠક માટે 43 વકીલે ઉમેદવારી નોંધાવી છે. સવારે 9:30 કલાકે થી મતદાન શરૂ થયું છે. જે સાંજના 5:30 કલાક સુધી ચાલશે. સવારથી જ યુવા મતદારોમાં વકીલ મંડળની ચૂંટણીને લઈને અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડોદરા વકીલ મંડળની ચૂંટણી શુક્રવારે યોજાઈ રહીં છે. સવારે 9:30 કલાકે થી સાંજે સાડા પાંચ કલાક સુધી આ મતદાન યોજાશે જેમાં 18 બેઠક માટે 43 વકીલોએ ઉમેદવારી નોંધાવી છે. જોકે આજે સાંજે 7:00 વાગ્યાથી મત ગણતરી શરૂ થયા બાદ મોડી રાત સુધીમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના પરિણામ જાહેર થવાની શક્યતા છે. આ ચૂંટણીમાં 3,845 મતદારો મતદાન કરવાના છે. આ વખતે મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેથી મતદાન માટે એક કલાક વધારાનો સમય પણ કરવામાં આવ્યો છે.
મતદાન મથક ઉપર કોઈ ગેરરીતી ન સર્જાય તે માટે સીસીટીવી કેમેરા પણ મુકાયા છે. જેનું લાઈવ રેકોર્ડિંગ તથા પ્રસારણ કરવામાં આવ્યું છે. અગાઉ આલ્ફાબેટેકલી નામ મુજબ મતદાન કરી શકાતું હતું. પરંતુ હવે સનદ નંબર મુજબ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન આ વખતે બેલેટ પેપરથી કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીના પરિણામ મોડી રાત સુધી આવી શકશે.
વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ માટે 3, ઉપપ્રમુખ માટે 4, જનરલ સેક્રેટરી માટે 2, જોઈન સેક્રેટરી માટે 2, લાઇબ્રેરી માટે 2, ટ્રેઝરર માટે 2, મેનેજિંગ કમિટી માટે 22 તથા મેનેજિંગ કમિટીમાં લેડીઝ રિઝર્વ માટે 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે, આ સંદર્ભે ચીફ ઇલેક્શન કમિશનર કેદાર બીનીવાલાએ જણાવ્યું હતું કે, ફોર્મ પરત ખેંચવા માટેની જે તારીખ હતી. નોટિફિકેશન પ્રમાણે તે પ્રમાણે કોઈએ ફોર્મ પરત ખેંચ્યા ન હતા અને જે 43 કુલ ફોર્મ બધા ઉમેદવારોએ ભર્યા હતા તે બધા ઉમેદવારોનું નોમિનેશન કન્ફર્મ થયું છે. કુલ 18 પોસ્ટ પર વિવિધ પદ માટે 43 ઉમેદવારો મેદાનમાં છે.