ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વડોદરા વકીલ મંડળનાએકાઉન્ટમાં આવેલ રકમ બાબતે ખુલાસો માંગવા માટે અનેકવાર નોટિસ આપીને જવાબ માંગવામાં આવી રહ્યો છે પરંતુ સત્તાધિશો દ્વારા જવાબ આપવાનું સતત ટાળવામાં આવી રહ્યું છે જેના કારણે વડોદરા શહેરના 4000 જેટલા વકીલો તેમજ અન્ય લોકોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આજે વડોદરા વકીલ મંડળના સભ્યો દ્વારા પ્રમુખ અને સેક્રેટરીને વિવિધ પ્રશ્નો સાથે રજૂઆત કરીને તમામના જવાબ આપવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરા વકીલ મંડળ ના વાઈસ પ્રેસિડેન્ટ તેમજ મેનેજિંગ કમિટી ના સભ્ય એવા વિરાજ ઠક્કર, દિશાંત જોશી, દીપલ બ્રહ્મભટ્ટ, ધવલ પટેલ, જીગ્નેશ બારોટ અને કેવલ ખરાદી એ રજૂઆત કરી હતી કે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અગાઉ પાંચ વખત વડોદરા વકીલ મંડળને નોટિસ પાઠવવામાં આવી હતી તે સિવાય પણ અન્ય નોટિસ આવેલી હોય તો તે તમામ સભ્યો ને આપવામાં આવે, નોટિસ ની સમય મર્યાદામાં જવાબ આપવામાં આવ્યો છે કે કેમ તે જણાવવામાં આવે, વકીલ મંડળના બેંક ખાતામાં ફિક્સ ડિપોઝિટ નું સ્ટેટસ શું છે તે જણાવવામાં આવે, તે સિવાય આ બાબતે જવાબદાર વ્યક્તિઓના ખુલાસા પણ લેવામાં આવે તે બાબતે રજુઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સૌ પ્રથમ વાર ગત તા. ૧ – ૨ – ૨૦૨૩માં નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં સાડા ત્રણ કરોડ રૂપિયા બાબતે ખુલાસો માંગવામાં આવ્યો હતો જ્યારે અંતિમ નોટીસ ગત તા.૨૭ – ૩ – ૨૦૨૩ ના રોજ પાઠવવામાં આવી હતી જેમાં રોકડ રકમ ૬૦ લાખ રૂપિયા ની લેવડ દેવડ બાબતનો ખુલાસો માંગવામાં આવ્યો હતો. જોકે વકીલ મંડળના અકાઉન્ટમાં કેટલા રૂપિયા છે તે બાબતે હજી મેનેજિંગ કમિટીના સભ્યો જ અજાણ છે , જોકે હવે એ જોવાનું રહ્યું કે સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો ના જવાબ પ્રમુખ આપી શકશે કે તે પણ આ બાબત ને ટાળશે.