કોર્પોરેશનના કર્મચારી પત્ની સાથે નોકરી પર જતા ત્યારે અકસ્માત, પત્નીનું સારવાર દરમિયાન મોત
પ્રતિનિધિ વડોદરા તા.17
શહેરના પ્રતાપનગર બ્રિજ પાસેથી કોર્પોરેશના કર્મચારી બાઇક પર પર પત્ની સાથે નોકરી પર જઇ રહ્યા હતા. દરમિયાન અકસ્માત થતા દંપતી ફંગોળાઇને સામે આવતા ટેમ્પા સાથે ભટકાયું હતું. જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં પતિ બે દિવસમાં સાજા થઇ ગયા હતા. પરંતુ પત્નીનું 13 દિવસે મોત નિપજ્યું હતું. જેથી પતિએ અકસ્માત કરનાર બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. તાજેતરમાં દંપતીએ લોન લઇને આખેઆખુ નવું બનાવ્યું હતું. પરંતુ રહેવા પામ્યા ન હતા.
વડોદરા શહેરના હરણી રોડ પર આવેલા સંવાદ ક્વાટર્સમાં રહેતા રોહિતભાઇ મુળજીભાઇ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હુ વડોદરા કોર્પોરેશનમાં વોર્ડ નંબર 17માં નોકરી કરુ છું. ગત 1 નવેમ્બરના રોજ હુ મારી પત્ની દક્ષાબેન સોલંકી સાથે બાઇક પર અમારા ઘરેથી નીકળી નોકરી પર જઇ રહ્યો હતો. સવારના આઠ વાગ્યાના અરસામાં ડભોઇ ત્રણ રસ્તા સર્કલથી પ્રતાપનગર બ્રિજ ચઢતા હતા. તે દરમિયાન અમારી બાઇકને એક બાઇક ચાલકે ડિવાઇડર પાસેથી ટર્ન મારતા મારી બાઇક સાથે ભટકાયો હતો. જેના કારણે અમે ફંગોળાઇને સામેથી આવતા ટેમ્પો સાથે અથડાયા હતા. જેમાં અમને બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન મને બીજા દિવસે રજા આપી દેવામાં આવી હતી. જ્યારે મારી પત્નીને સારવાર ચાલુ હતી. પરંતુ 13 નવેમ્બરના રોજ મારી પત્નીનું મોત નિપજ્યું હતું. જેથી વાડી પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે રોહિતભાઇ તથા તેમની પત્નીને તાજેતરમાં લોન લઇને આખુ ઘર નવું બનાવ્યું હતું. પરંતુ મકાનમાં મહિલા રહેવા પામ્યા ન હતા. જેથી પતિ તથા તેમના બે પુત્ર પર આભ તુટી પડ્યું છે.