Vadodara

વડોદરા : લોન કરાવી આપવાના બહાને વેપારી સાથે રૂ. 9.40 લાખની ઠગાઇ

પ્રતિનિધિ વડોદરા તા.6

સુભાનપુરા વિસ્તારમાં રહેતા વેપારીને લોન અપાવવાનું કહીને પાંચ લોકો દ્વારા રૂ. 9.40 લાખ પડાવી લીધા હતા. પરંતુ લોન મંજૂર કરાવી આપતા ના હોય વેપારીએ રૂપિયા પરત માગણી કરવા છતા આપતા ન હતા. ઉપરાંત તેના ઘરે આવી તેમની પત્નીને જાતિ વિષયક ગાળો આપવા સાથે તેમના બે પુત્રો સહિતના લોકોને મારી નાખવાની ધમકી આપતા હોય વેપારીએ પાંચ લોકો વિરુદ્ધ  ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી જયગણેશ સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઇ રમણભાઈ વસાવા ગોરવા આઇટીઆઇપી પાસે નજીક જીવાભાઈ પાર્ક કોમ્પલેક્ષમાં ખુશી એટરપ્રાઈઝ નામે છેલ્લા બે વર્ષથી ધંધો કરે છે. પ્રગતી એન્ટરપ્રાઇઝના નામે ધંધો  કરતા તેમના મિત્ર અનંત પઢીયારે પ્રણવ ચતુર પટેલ સાથે મુલાકાત કરાવી હતી અને પ્રણવ પટેલ કસ્ટમ મેનેજર હોવાની ઓળખ આપી હતી. શરૂઆતમાં વેપારીએ પ્રણવ પટેલને બે લાખની લોન કરાવી આપવાનું કહેતા તેણે લોન મંજુર કરાવી  આપી હતી. જેથી વેપારીને તેના પર વિશ્વાસ આવી ગયો હતો. જેથી વેપારીએ નવું મકાન ખરીદ કરવાનુ હોય તેમણે પ્રણવને રૂ.10 લાખની લોનની જરૂર હોવાની જુન-2024માં વાત કરતા તેણે જરૂરી ડોક્યુમેન્ટ આપશો તો તમારી લોન મંજુર કરાવી આપીશ, પરંતુ  આ લોન મોટી લોન હોવાથી તેનો ખર્ચ થશે  અને બેન્કના અધિકારીને રૂપિયા પણ આપવા પડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ તેણે વેપારીનો ચીરાગ રાજપુત, રોહન પટેલ તથા પરેશ સાથે સંપર્ક કરાવી આ લોકો લોન મંજુર કરાવનાર અધિકારી છે તેવી ઓળખ આપી હતી અને કહ્યું હતું કે લોન કરાવતી વેળા ખર્ચ થશે તે તેમને આપવો પડશે. તેમની અમારી લોન મંજુર નહીં થાય તો નાણા પરત આપી દેવામાં આવશે. જેથી પ્રણવ ચતુર પટેલ, ચિરાગ રાજપુત, રોહન પટેલ, પરેશ તથા  ચેતન ૫ટેલે લોન અપાવવાના બહાને વેપારી પાસેથી આંગડિયા તથા રોકડા મળી ટુકડે ટુકડે રૂ.9.40  લાખ જેટલી રકમ પડાવી લીધી હતી, પરંતુ તેમને લોન પણ કરાવી આપી ન હતી. જેથી વેપારીએ તેમની પાસે ચુકવેલા નાણાની માંગણી કરતા તેઓ  પરત આપતા ન હતા. ઉપરાંત તેઓએ વેપારીના ઘરે જઇને તેમની પત્ની રોહીનીબેનને તારા ઘરવાળાને બહાર કાઢ, ક્યા ગયો છે તેમ કહી ગાળો આપી જાતિ વિરુદ્ધ અપમાન કર્યું હતું.  તારા બે દીકરાને ઉઠાવી લઇશ અને રસ્તામાં મળશે તો પરત જીવતા ઘરે આવશે નહી તેવી ધમકી આપી હતી. આ ટોળકી અવાર નવાર વેપારીના ઘરે આવી તથા રસ્તામાં રૂપિયાની માગણી કરી હેરાન કરતા હોય વેપારી સહિત પરિવાર ગભરાઇ ગયો હતો અને વેપારીએ રૂપિયા પરત નહી આપતા તથા ધમકી આપનાર પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top