Vadodara

વડોદરા લોકસભાના ઉમેદવાર ડો. હેમાંગ કરતા તેઓની પત્ની પાસે જંગમ મિલકત વધુ

  • ઉમેદવાર પાસે 17.44 લાખ તો પત્ની પાસે 41.44 લાખ જંગમ મિલકત હોવાનું એફિડેવિટમાં જાહેર
  • 40 લાખની સ્થાવર મિલકત સામે 31 લાખ બેંકની લોન

વડોદરા લોકસભા બેઠક ઉપરથી ભાજપાના ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ મંગળવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું જેમાં તેઓએ પોતાની મિલકત જાહેર કરી છે. જો કે ડો. હેમાંગ જોષી કરતા તેઓના પત્ની પાસે લગભગ ડબલ કરતા વધુ જંગમ મિલકત હોવાનું એફિડેવિટમાં જાહેર કરવામાં આવ્યું છે.

વડોદરા લોકસભાના ભાજપાના ઉમેદવાર ડો. હેમાંગ જોષી મંગળવારના રોજ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર ભરી મિલકત અંગેનું એફિડેવિટ જાહેર કર્યું હતું. જેમાં તેઓની તથા તેઓના પત્નીની મિલકત જાહેર કરવામાં આવી છે. હેમાંગ જોષી એ જાહેર કરેલી એફિડેવિટ મુજબ તેઓ પાસે હાલમાં રૂ. 17,44,385 ની જંગમ મિલકત છે. તો તેઓના પત્ની પાસે રૂ. 41,44,554 જંગમ મિલકત છે. સ્થાવર મિલકતની વાત કરીએ તો તેઓ પાસે 40 લાખની સ્થાવર મિલકત છે જેમાં એક મકાનનો સમાવેશ થાય છે. જયારે તેઓના પત્ની પાસે રૂ. 5  લાખની સ્થાવર મિલકત છે. જેમાં એક જમીનનો સમાવેશ થાય છે. સ્વ ઉપાર્જિત મિલકતમાં તેઓ પસે 22 લાખની મિલકત છે અને પત્ની પાસે 1 લાખની સ્વ ઉપાર્જિત મિલકત છે. ડો. હેમાંગ જોષી ઉપર રૂ. 31,80, 318 નું બેન્કનું લેણું છે. જેમાં હોમ લોન તેમજ બે પર્સનલ  લોનનો સમાવેશ થાય છે. ડો હેમાંગ જોષીએ રજુ કરેલા એફિડેવિટમાં તેઓએ પોતાના વ્યવસાયમાં સમાજ સેવા લખ્યું છે જયારે તેઓના પત્ની નોકરી કરે છે. તેઓની આવકના સ્ત્રોત રૂપે બેન્કના વ્યાજની આવક, ડિવિડન્ડ અને કેપિટલ ગેઈનનો સમાવેશ થાય છે જયારે તેઓના પત્નીની આવકના સ્ત્રોતમાં નોકરીનો પગાર, બેન્કનું વ્યાજ, ડિવિડન્ડ અને કેપિટલ ગેઈનનો સમાવેશ થાય છે. હાલ તો તેઓના હાથ ઉપર 55 હજાર રોકડા અને બેન્ક એકાઉન્ટમાં 12 હાજર રૂપિયા હોવાનું એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે.

ઉમેદવાર પાસે કેટલું સોનુ ચાંદી અને વાહનો ?

એફિડેવિટમાં જણાવ્યા અનુસાર ડો. હેમાંગ જોશી પાસે 100 ગ્રામ સોનુ છે જેની કિંમત 7,18,200 થાય છે અને 100 ગ્રામ ચાંદી જેની કિંમત 8,300 છે. તો તેઓના પત્ની પાસે 250 ગ્રામ સોનુ છે. જેની કિંમ્મત 17,95,500 છે અને 700 ગ્રામ ચાંદી છે જેની બજાર કિંમત 58,100 છે. તો ડો. હેમાંગ જોષીના નામે એક રોયલ એન્ફિલ્ડ મોટરસાયકલ છે જેની ખરીદ કિંમત 2,17,705 છે. જયારે તેઓના પત્નીના નામે એક આઈ 20  કાર કિંમત રૂ. 7,09,500 અને એક એક્ટિવા જેની ખરીદ કિંમત 51,475 છે.

ઉમેદવારના પત્ની પાસે 47 કંપનીના શેર છે

ડો. હેમાંગ જોષી શેર બજારમાં પણ ઈન્વેસ્ટ કરી રહ્યા છે. તેઓ પાસે 6 કંપનીઓના શેર છે. જયારે તેઓના પત્નીએ 47 કંપનીઓના શેર ખરીદ્યા છે. ઉમેદવારના મ્યુચ્યુઅલ ફંડમાં 76,312 રૂપિયા છે જયારે પત્નીએ 6,80,685 રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે. તેઓના પત્ની દ્વારા રૂ. 2 લાખ ઉપરાંતની એફ.ડી. કરવામાં આવી છે. હેમાંગ જોષી પાસે હાલ પી.એફ. એકાઉન્ટમાં રૂ. 6,31,705 જમા છે તો તેઓના પત્ની પાસે ટાટા એઆઈએ માં 34,700 અને એનપીએસમાં 37,500 જમા હોવાનું સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે.

ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે ડો. હેમાંગ જોષીએ હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા

મંગળવાર અને ચૈત્રી આઠમના શુભ દિવસે ભાજપાના ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. સવારે તેઓને જેમાં અતૂટ શ્રદ્ધા છે તેવા પંચમુખી હનુમાનજીના દર્શને પહોંચ્યા હતા.ત્યાં હનુમાન દાદા અને બ્રાહ્મણોના આશીર્વાદ મેળવી ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી સમર્થકો સાથે તેઓ પગપાળા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શહેર પ્રમુખ ડો. વિજય શાહ, સાંસદ રંજનબહેન ભટ્ટ, પ્રભારી ભરતસિંહ પરમાર, દંડક બાલુ શુક્લ,  ધારાસભ્યો યોગેશ પટેલ, મનીષા વકીલ, કેતન ઇનામદાર, વાઘોડિયાના ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહ વાઘેલા, સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર જિલ્લા કલેક્ટરને સોંપ્યું હતું.

ભાજપની વિજય સઁકલ્પ રેલીમાં યુવાનોનો જોખમી સ્ટંટ 

ભાજપાના ઉમેદવાર હેમાંગ જોષી ઉમેદવારી પત્ર ભારે તે પહેલા સોમવારે સાંજે વિજય સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં બાઈક રેલી કાઢવામાં આવી હતી. જેમાં  કેટલાક કાર્યકરો જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. એક યુવક ચાલુ બાઈકે ઉપર સીટ ઉપર ઉભો થઈને ભાજપાનો ઝંડો લહેવતો નજરે પડ્યો હતો. કોઈ પણ ટેકા વગર આ યુવાન આ જોખમી સ્ટંટ કરી રહ્યો હતો. ત્યારે તેના પોતાના જીવનું જોખમ તો હોય જ છે પરંતુ સાથે ચાલતા અન્ય યુવાનોના જીવ પણ જોખમમાં મુકાય છે. ત્યારે પક્ષની રેલીમાં આવા સ્ટંટ ઉપર જે તે પક્ષના આગેવાનોએ જ પ્રતિબંધ મુકવો  જોઈએ.

વાઘોડિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલે નામાંકન ભર્યું

વાઘોડિયા  વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલે  પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ક્ષત્રિય સમાજના કનુભાઈ ગોહિલે પોતે સ્થાનિક હોવાથી જીતનો દાવો કર્યો હતો. લોકસભાની ચૂંટણીની સાથે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. આ બેઠક ઉપર ભાજપાના ઉમેદવાર ધર્મેન્દરસિંહ વાઘેલા દ્વારા ઉમેદવારી પત્ર ભર્યા બાદ આજે કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલે ઉમેદવારી નોંધાવી હતી.પોતાના સમર્થકો સાથે વાજતે ગાજતે તેઓ આવી પહોંચ્યા હતા અને ઉમેદવારી નોંધાવી હતી. તેઓએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ સુધી તમામ આયાતી ઉમેદવારો મળ્યા છે. હાલમાં પણ ભાજપાએ આયાતી ક્ષત્રિય મુખ્ય છે. જયારે હું આ બેઠક પરનો સ્થાનિક છું જેથી આ  વખતે જનતા મને જીતાડશે તેવો મને વિશ્વાસ છે. 

Most Popular

To Top