Vadodara

વડોદરા : લીમડા ગામે પારુલ યુનિવર્સીટીના વિદેશી વિદ્યાર્થીઓ પર ગ્રામજનોના ટોળાનો હુમલો

ધાર્મિક સ્થાન પર સિગારેટ પીતા અને બુટ ચપ્પલ પહેરી જતા મામલો બીચકયો.

વાઘોડિયા પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી 2 સગીર સહિત 6ની અટકાયત કરી .

( પ્રતિનિધિ )વડોદરા,તા.16

પારુલ યુનિવર્સીટીના વિદેશી વિદ્યાર્થીઓ રજાની મોજ માણવા પહોંચ્યા હતા. જોકે લીમડા ગામ તળાવ પાસે આવેલા ધાર્મિક સ્થાન પર તેઓ સિગારેટ પિતા અને બુટ ચપ્પલ પહેરીને જતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ચાર વિદ્યાર્થીઓ પર ગ્રામજનો તૂટી પડતા ચાર પૈકી એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે તમામને પારુલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે યુનિવર્સીટી મેનેજમેન્ટ દ્વારા ફરિયાદ નોંધાવતા વાઘોડિયા પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી 6 ની અટકાયત કરી હતી. જેમાં 2 સગીરનો સમાવેશ થાય છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનિવર્સિટી વધુ એક વખત તેમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓના કારણે વિવાદમાં જોવા મળી છે. જોકે આ વખતે ગ્રામજનોએ વિદેશી વિદ્યાર્થીઓને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 14ના રોજ ધૂળેટીનો તહેવાર હોય રજા હોવાથી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ જેવો થાઈલેન્ડ યુકે મોઝંબી અને સાઉથ સુદાનના વિદ્યાર્થીઓ છે. જેઓ એટીએમમાંથી પૈસા ઉપાડી વાઘોડિયા તાલુકામાં આવેલા લીમડા ગામ તળાવ પાસે પહોંચ્યા હતા. જોકે જ્યાં તેઓ તળાવ પાસે આવેલા ધાર્મિક સ્થાન દરગાહ પર સિગારેટ પીતા અને બુટ ચપ્પલ પહેરીને જતા ગ્રામજનોએ તેઓને અટકાવ્યા હતા. પરંતુ, વિદેશી વિદ્યાર્થીઓ હોવાથી તેઓ સ્થાનિક ભાષા સમજી શકે તેમ ન હોય ગ્રામજનો અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ગ્રામજનોનું ટોળું આ વિદેશી વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યું હતું. જેમાં લાકડી, બેટ અને પથ્થર વડે આ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે પારુલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ચાર પૈકી એક વિદ્યાર્થીને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે આ વિદેશી વિદ્યાર્થીઓ હોય પોલીસે પણ દુભાષીયા ટ્રાન્સલેટરોની મદદ લેવી પડી હતી. ત્યારબાદ વાઘોડિયા પોલીસે આ ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર ટોળા વિરોધ ગુનો દાખલ કરી 6 લોકોની અટકાયત કરી હતી. જેમાં 2 સગીરનો પણ સમાવેશ થાય છે.

Most Popular

To Top