મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ બારોબાર ફરાર થઈ ગયો હતો
પ્રતિનિધિ વડોદરા તા.22
મધ્યસ્થ જેલથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ બારોબાર ફરાર થઈ ગયેલો અને છેલ્લા 4 મહિનાથી નાસતો ફરતો 50થી વધુ ગુનાનો કુખ્યાત આરોપી અને કેદી અલ્પુ સીંધીને એક્ષપ્રેસ હાઇવે પર કરજણ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આ કેદીને પરત સેન્ટ્રલ જેલના હવાલે કરાયો હતો.
વડોદરા શહેરના કિશનવાડી પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાધવાણી (રહે. સંતકવર કોલોની વારસીયા વડોદરા)ને કાચા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામા આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે 7 દિવસના વચગાળાના જામીન પર ગત 18 મે 2024 ના રોજ વડોદરા સેંટ્રલ જેલથી મુક્ત કરવામાં આવ્યો હતો. કેદીને રજા પુર્ણ થયેથી 24 મેના રોજ પરત મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતુ પરંતુ કેદી જેલમાં હાજર નહી થઇ બારોબાર ફરાર થઇ ગયો હતો. વડોદરા મધ્યસ્થ જેલ તરફથી સદર કેદીને શોધી કાઢવા માટેના મળેલ પત્ર આધારે ટીમે ફરાર કેદીની હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સોર્સીસ આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ ફરાર કેદીની શોધખોળ કરી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે લિસ્ટેડ બુટલેગર અને કેદી અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી વાધવાણીને કરજણ નજીક આવેલા દિલ્હી-મુંબઇ એક્ષપ્રેસ હાઇવે પર ફુડપ્લાઝા ખાતે આવ્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ બાતમી મુજબની જગ્યાએ પહોંચી ગઈ હતી અને ફરાર કેદી અલ્પૂ સિંધીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આ કેદીને વડોદરાની મધ્યસ્થ જેલમાં સુપ્રત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાઘવાણી વિદેશી દારૂની ગેરકાયદે પ્રવૃતિ સાથે સંકળાયેલો હોય તેની સામે વિદેશી દારૂ ઉપરાંત ફાયરીંગ કરી ખુનની કોશીષ, ખંડણી, મારામારી, ધમકી આપવાના, જેલમાંથી બોગસ ડોક્યુમેન્ટ આધારે જામીન પર છુટવા અંગેના પ્રયાસના, જેલના કાયદાનો ભંગ કરવાના, હદપાર હુકમને ભંગ કરવાના, મારામારી, વાહન સળગાવી દેવાના એમ 50થી વધુ ગુનાઓમાં પકડાયો છે અને આરોપીને બે વખત પાસા તથા એક વખત હદપાર પણ કરાયો છે.
વડોદરા : લિસ્ટેડ બુટલેગર અને કુખ્યાત આરોપી અલ્પુ સિંધી ઝડપાયો
By
Posted on