Vadodara

વડોદરા : લાલકોર્ટ પાસે ચાલુ ગરબામાં મારામારી થતા નાસભાગના દ્રશ્યો સર્જાયા

પોલીસની હાજરીમાં જ ટોળાએ ટપલીદાવ કર્યો

વડોદરા શહેરની મધ્યમાં આવેલી લાલ કોર્ટ પાસે વર્ષોથી ખેલૈયાઓ ગરબા રમવા માટે આવતા હોય છે. દરમિયાન મંગળવારે રાત્રિના બે યુવતીઓ વચ્ચે હાથ અડી જવા બાબતે ઝઘડો થયો હતો અને ચાલુ ગરબામાં મારા મારી કરવા લાગી હતી. આ બંને યુવતી સાથે આવેલા યુવકો પણ બાખડયા હતા અને જાહેરમાં મારામારી કરવા લાગ્યા હતા. જેના પગલે ખેલૈયાઓમાં નાશ ભાગના દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે પોલીસ દોડી આવી હતી અને મારામારી કરનારને પોલીસ સ્ટેશન ખાતે લઈ જતી હતી ત્યારે એક ટોળાંએ આપીને પોલીસની હાજરીમાં જ ટપલી દાવ કરી લીધો હતો. પોલીસે બંને પક્ષની બે યુવતીઓ સહિત પાંચ સામે ગુનો નોધી ત્રણ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, જેને લઈને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તહેવાર દરમીયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના દરેક ગરબા સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. તેમ છતાં ગરબાના મેદાન પર મારામારીના દૃશ્યો તો સર્જાતા હોય છે. નાની નાની બાબતોમાં પણ ખેલૈયાઓ ઝઘડા કરી બેસતા હોય છે. એને લઈને કોઈક વખતે મોટી ઘટના પણ બની જતી હોય છે જેના કારણે પોલીસ તુરંત સ્થળ પર આવી મામલો થાળી પાડવા માટે પ્રયાસ કરતી હોય છે.

વડોદરા શહેરની મધ્યમાં ઐતિહાસિક લાલકોર્ટ પાસે ઘણા વર્ષોથી ગરબા યોજાતા હોય છે. દરમિયાન આ જગ્યા પર ગરબા રમવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી તમામ પ્રકારના ખેલૈયાઓ આવે છે. દરમિયાન 30 સપ્ટેમ્બર ના રોજ આઠમના રાત્રે ખેલૈયાઓ લાલ કોર્ટ પાસે ગરબા રમી રહ્યા હતા. તે દરમિયાન બે યુવતીઓના હાથ એકબીજાને અડી ગયા હતા અને બંને યુવતીઓ ચાલુ ગરબામાં ઝઘડવા લાગી હતી અને જાહેરમાં વાળ ખેંચી મારામારી કરી હતી. ત્યારબાદ આ બંને યુવતીઓ સાથે આવેલા યુવકો પણ બાખડયા હતા અને સામસામે મારામારી કરતા મામલો ઉગ્ર બની જતા ખેલૈયાઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

શહેરનું વાતાવરણ ન ડહોળાય તેના માટે પોલીસ કાફલો તુરંત દોડી આવ્યો હતો અને મારામારી કરનાર શખ્સને પોલીસ લઇને જઈ રહી હતી. ત્યારે પોલીસ કર્મચારીએ યુવકનો હાથ પકડી રાખ્યો હોવા છતાં ટોળાએ ગાળો બોલી યુવકનો ટપલી દાવ કરી લીધો હતો. ત્યારબાદ પોલીસે સામાન્ય શખ્તિ પબ્લિક સાથે અપનાવવી પડી હતી. ત્યારબાદ મારામારી કરનાર ત્રણ લોકોને નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી. જેમાં પોલીસે જાહેરમાં મારનારી કરનાર બંને જૂથની બે યુવતીઓ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધીને ત્રણ આરોપી કાર્તિક કમલેશ ચુનારા, શિવ કનુ કહાર અને સાગર ઠાકોર પરમારની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top