ટ્રાફિક પોલીસના લોકરક્ષકને ગયા મહિને ₹400 લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો હતો, જેમાં આ શખ્સની સંડોવણી બહાર આવી હતી.
પ્રતિનિધિ વડોદરા તારીખ 12
વડોદરા ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા લોકરક્ષકને ગયા મહિને ₹400ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો હતો. ત્યારે આ લાંચના ગુનામાં અન્ય આરોપીની સંડોવણી બહાર આવતા એસીબીએ લોક રક્ષકને લાંચમાં મદદ કરનાર છોટાઉદેપુરના યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ડીટેઇન કરેલા વાહનો છોડવાના બહાને લાંચ માંગવામાં આવતી હોવાના અગાઉ કિસ્સા બની ચૂક્યા હતા અને હજુપણ કેટલાક લાલચી કર્મચારી દ્વારા તોડપાણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેર ટ્રાફિક શાખામાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા અશોકકુમાર કનુજી મકવાણા વાહન ચાલકો પાસેથી ડીટેન કરેલા વાહન છોડાવવા માટે લાંચ માંગતા હોવાની માહિતી વડોદરા એસીબીને મળી હતી. જેના આધારે 20 ઓગસ્ટ 2024 ના રોજ એસીબીની ટીમે ડીકોય ગોઠવીને લોકરક્ષક અશોક મકવાણાને રંગે હાથ ₹400 ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. એસીબી દ્વારા કરાયેલી તપાસમાં મદદગારીમાં અન્ય શખ્સની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. જે ગુનાની તપાસ દરમ્યાન મદદગારી કરનાર તરીકે આરોપી ભાવેશ ચતુરભાઈ બારીયા, પ્રજાજન (રહે. કૃષ્ણનગર, સોમાતળાવ ઘાઘરેટીયા, વડોદરા મુળ રહે. મુ.પો. કોઠીયા, તા. નસવાડી, જી.છોટાઉદેપુર) નું નામ ખુલ્યું હતું. તેથી તેને એસીબી દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.