વડોદરા શહેરના બાદ સ્ટેટ મોનિટરિંગ સેલનો ગ્રામ્ય વિસ્તારમાં સપાટો,
તાલુકા પોલીસની ટીમ ઉંઘતી ઝડપાઇ, સપ્લાયર સહિત બે વોન્ટેડ, દારૂ, 8 મોબાઇલ અને 6 વાહનો મળી રૂ.2.73 લાખનો મુદ્દામાલ કબજે
પ્રતિનિધિ વડોદરા તા.8
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા શહેરના બાદ ગ્રામ્ય વિસ્તારમાં સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. જેમા વડોદરાના લક્ષ્મીપુરા ગામમાં રેડ કરીને એસએમસીની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર સહિત 8 લોકોને ઝડપી પાડ્યા હતા. એસએમસીએ સ્થળ પરથી વિદેશી દારૂ, 6 વાહનો, 8 મોબાઇલ અને રોકડ રકમ મળી રૂ.2.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે તાલુકા પોલીસની ટીમ ઉંઘતી ઝડપાઇ હતી.
વડોદરા શહેરના સમા તથા હરણી વારસીયા રિંગ પર વિદેશી દારૂ અને દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા બાદ હવે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે. જેમાં એસએમસીની ટીમે બાતમી મળી હતી કે વડોદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં આવેલા ખોડિયારનગર સ્મશાન પાસે હિતેશ ઠાકોર માળી મોટાપાયે દારૂનો ધંધો કરી રહ્યો છે. જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગઇકાલે રવિવારના રોજ ત્યાં દારૂનુ વેચાણ ચાલી રહ્યું હતું. તે દરમિયાન જ લક્ષ્મીપુરા ગામમાં રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી બુટલેગર હિતેશ ઠાકોર માળી, મેહુલ જયેન્દ્ર ગોહિલ, વિક્રમ રશિક વાઘેલા, ઉમેશ સુરેશ પટેલ, અજય ભીખા સોલંકી, અજય પુનમ માળી, વિનય રમેશ માલી તથા ગોપાલ શના દેવીપુજકને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ સપ્લાય કરનાર રાજુ વાઘેલા, દર્શન માળી તથા રણજીત છત્રસિંહ ગોહિલને વોન્ટેડ જાહેર કર્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી 28 હજારનો વિદેશી દારૂ, આઠ મોબાઇલ 35 હજાર, 6 વાહનો રૂ.1.80 લાખ તથા રોકડા રૂ.29 હજાર મળી 2.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસએમસીની ટીમે રેડ પાડી દારૂનો જથ્થો પકડ્યો હોય તાલુકા પોલીસની ઉંઘતી ઝડપાઇ હતી.