તાજેતરમાં સંચાલક સાથે નેતાઓ અને અધિકારીઓએ મુલાકાત કરી ?
પ્રતિનિધિ વડોદરા તા.10
લાલબાગ બ્રિજ પાસે રોયલ મેળામાં સર્જાયેલી દુર્ઘટના બાદ મેળો સદંતર રીતે બંધ કરાવી દેવામાં આવ્યો છે અને તેમાં તપાસ કરવા માટે એક કમિટી પણ બનાવવામાં આવી છે. પરંતુ મેળો બંધ હોવાના કારણે સંચાલકને નુક્સાન થતું હોય તેણે કેટલાક રાજકીય નેતાઓ તથા પાલિકાના અધિકારીઓ સાથે મીટિંગ કરી મેળો ફરી શરૂ કરવા માટેનો તખ્તો ગોઠવ્યો છે. જેમાં સંચાલકે કેવી લોલીઓપ અથવા લાલચ આપી કે નેતાઓ અને અધિકારીઓ તેને મેળો ફરી કરવા માટે કાવતરુ રચીને પરમિશન અપાવવા માટે આગળ આવ્યાં છે.
તાજેતરમાં વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેળામાં હેલિકોપ્ટરની રાઇડમાં કેટલાક બાળકો બેઠા હતા. જેવી રાઇડ ચાલુ થઇ કે ક્ષણવારમાં જ ઓવર સ્પીડ થઇ ગઇ હતી અને રાઇડના દરવાજા ખુલી જતા ચાર જેટલા બાળકો નીચે પટકાયા હતા. જેમાં સામાન્ય ઇજાઓ સાથે બાળકોનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. જેથી ઘવાયેલા બાળકોના વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જેના કારણે રાવપુરા પોલીસે બેદરકારી દાખવનાર સંચાલક, મેનેજર અને રાઇડ ઓપરેટરની ધરપકડ કરી હતી. પરંતુ તેમને જામીન પર મુક્ત કરવામા આવ્યા હતા. જોકે રોયલ મેળાને હાલમાં બંધ કરાયો છે. ઘટના પગલે રોયલ મેળામાં તપાસ કરવા માટે એક સાતથી આઠ વિવિધ વિભાગના અધિકારીઓની કમિટી બનાવી હતી. પરંતુ રાજકીય નેતાઓ અને પાલિકા અધિકારીઓએ ભેગા મળીને રોયલ મેળાને શરૂ કરવા માટેનો પ્લાન બનાવ્યો છે. તાજેતરમાં રાજકીય નેતાઓ અને પાલિકા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓએ મેળાના સંચાલક સાથે મીટિંગ કરી હતી અને કોઇ પણ સંજોગોમાં મેળાને શરૂ કરાવવા માટેનો સંચાલકને વાયદો પણ અપાવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જેના માટે આગામી દિવસોમાં રાજકીય નેતાઓ અને અધિકારીઓની મીલીભગતથી પરત પરમિશન લેવાની ગતિવિધિઓ તેજ બની છે.એકવાર ઘટના બની ગઇ હોવા છતાં રોયલ મેળાના સંચાલકને મંજૂર અપાવવી કેટલી યોગ્ય તેવા સવાલ ઉભા થયા છે. બીજી તરફ સંચાલક દ્વારા તો રાજકીય નેતાઓ અને અધિકારીઓને કેવી લોલીઓપ આપી છે કે નેતાઓ સહિત અધિકારીઓ પણ તેને પરમિશન અપાવવા માટે આગળ આવ્યા છે.