તેલની શુદ્ધતા માટે TPC મીટરથી ચકાસણી; માત્ર બે કર્મચારી વડોદરા મંડળના 18 સ્ટેશનોની કામગીરી સંભાળે છે
વડોદરા: વડોદરા રેલવે સ્ટેશન પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના નિર્દેશ મુજબ રેલવે મેડિકલ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર શૈલેન્દ્ર પારીખના નેતૃત્વમાં ટીમે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. સ્ટેશન પર વિવિધ ફૂડ સ્ટોલ્સ પર વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવામાં આવી હતી અને ખાસ કરીને તેલમાં તળેલા પદાર્થો માટે ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) મીટરની મદદથી તેલની શુદ્ધતા તપાસવામાં આવી હતી.
જ્યાં તેલમાં TPCનું પ્રમાણ 25%થી વધુ જણાયું, ત્યાં તેલનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. જો TPCનું પ્રમાણ 20.5% જેટલું હતું, તો વેચાણકર્તાને તેલ તુરંત બદલવાની સૂચના આપવામાં આવી. ફૂડ સેફ્ટી વિભાગે છેલ્લા 10 દિવસમાં 10 અને સમગ્ર મહિને આશરે 20 ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્ર કરીને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે.
ફૂડ સેફ્ટી વિભાગે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે સતત ચેકિંગ અને સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ રાખી છે, જેથી મુસાફરોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે.
વિશેષ નોંધનીય છે કે વડોદરા મંડળના 18 રેલવે સ્ટેશનોમાં ફક્ત બે કર્મચારી—એક ઓફિસર અને એક સહાયક—આ કામગીરી સંભાળી રહ્યા છે. આમાં ડાકોર, આણંદ, નડિયાદ, પ્રતાપનગર, ડેરોલ, ભરૂચ, અંકલેશ્વર અને કોસંબા જેવા મુખ્ય સ્ટેશનોનો સમાવેશ થાય છે.