પ્લેટફોર્મ નંબર 1 પર પોલીસ–પેડલર વચ્ચે ફિલ્મી દોડ, મુસાફરોમાં ફફડાટ
સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, પંજાબનો સપ્લાયર વોન્ટેડ
વડોદરા | તા. 10
ઉતરાયણના તહેવારને ધ્યાને લઈ વિદેશી દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી પર સતત વોચ રાખી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને ફરી એક મોટી સફળતા મળી છે. SMCની ટીમે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર–1 પરથી રૂ. 47.98 લાખની કિંમતનું હેરોઈન ઝડપી પાડી એક પેડલરને પકડી પાડ્યો છે.
પોલીસને જોઈ પેડલર ભાગ્યો, રેલવે સ્ટેશન પર નાસભાગ
SMCને બાતમી મળી હતી કે એક શખ્સ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર–1 પર હેરોઈન સાથે ઉભો છે. આ આધારે 9 જાન્યુઆરીએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી. દરમિયાન પેડલરે પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પેડલર આગળ અને પોલીસ પાછળ દોડી રહી હોય તેવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે સ્ટેશન પર હાજર મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. ભાગતી વેળા પથ્થરની ઠોકર વાગતા આરોપી પડી ગયો હતો અને પગમાં ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
239.940 ગ્રામ હેરોઈન જપ્ત, પંજાબનો સપ્લાયર વોન્ટેડ
પોલીસ તપાસમાં આરોપી પાસેથી 239.940 ગ્રામ હેરોઈન (કિંમત રૂ. 47.98 લાખ), એક મોબાઇલ ફોન અને રૂ. 3,000 રોકડા મળી કુલ રૂ. 48.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ અમ્રિકસિંહ ઉર્ફે સોનુ સર્વણસિંહ માલ્હી (રહે. A/3, ગુરુનાનક નગર, છાણી જકાત નાકા, વડોદરા) તરીકે કરવામાં આવી છે. SMCએ આરોપીને આગળની કાર્યવાહી માટે રેલવે પોલીસને સોંપ્યો છે, જ્યારે હેરોઈન સપ્લાય કરનાર પંજાબના શખ્સ નિશાનસિંહને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.