કોયમ્બતુર–જયપુર સ્પેશિયલ ટ્રેનમાંથી રૂ. 11 લાખનો ગાંજાનો જથ્થો ઝડપાયો
બિનવારસી બેગ મુકીને કેરિયર ફરાર, વૉન્ટેડ જાહેર
વડોદરા | તા. 1
વડોદરા રેલવે પોલીસે ટ્રેન મારફતે થતી નશીલા પદાર્થોની હેરાફેરી સામે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. કોયમ્બતુર–જયપુર સ્પેશિયલ ટ્રેનના કોચ નં. B/12ના બાથરૂમ પાસે બિનવારસી હાલતમાં પડેલા ટ્રોલી બેગ અને પ્લાસ્ટિક થેલામાંથી રૂ. 11 લાખ કિંમતનો 22 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. પોલીસને જોઈ કેરિયર સામાન મૂકીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે, જેને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
“મિશન સેફ સ્ટેશન” હેઠળ કાર્યવાહી
પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોનીના માર્ગદર્શન હેઠળ “મિશન સેફ સ્ટેશન” અંતર્ગત ટ્રેન મારફતે થતી ગેરકાયદે હેરાફેરી સામે કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આંતરરાજ્ય ટ્રેનો દ્વારા ગુજરાતમાં નશાકારક પદાર્થો લાવવામાં આવતા હોવાના ઇનપુટના આધારે આરપીએફ અને જીઆરપી ટીમને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
બાથરૂમ પાસે શંકાસ્પદ બેગ મળતા તપાસ
27 ફેબ્રુઆરીના રોજ આરપીએફ કંટ્રોલ રૂમને જાણ મળેલી કે કોચ B/12માં શંકાસ્પદ બેગ પડેલી છે, જે માહિતી ઓન ડ્યુટી ટીટીઈ ઈશ્વરલાલ પરીહાર અને અરપીત ખાબીજા દ્વારા આપવામાં આવી હતી. ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર પહોંચતા આરપીએફ, જીઆરપી અને એસઓજી રેલવે વડોદરાની ટીમે તપાસ કરી હતી.
તપાસ દરમિયાન ટ્રોલી બેગ અને પ્લાસ્ટિક મીણીયા થેલામાંથી 22 કિલોગ્રામ ગાંજો (કિંમત રૂ. 11 લાખ) મળી આવ્યો હતો. જોકે ગાંજાનો કેરિયર બેગ મૂકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે ગાંજાનો જથ્થો કબ્જે કરી કેરિયર, પેડલર અને નેટવર્ક અંગે તપાસ તેજ કરી છે. ટ્રેન મારફતે થતી નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે આગામી દિવસોમાં વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે.