
શેર માર્કેટમાં રોકાણ કરવાની લાલચ આપીને વડોદરામાં રહેતા ફરિયાદી પાસેથી રૂપિયા 62 લાખ પડાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા બંને ઠગો કાનપુર જેલમાં સજા કાપતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે બંને ઠગ આરોપીની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરા શહેરમાં શેરમાર્કેટમાં રોકાણ કરશો તો સારો એવો પ્રોફિટ થશે તેવી લલચામણી સ્કીમો બતાવીને સાયબર માફિયા લોકોને લાખોનો ચૂનો ચોપડી રહ્યા છે. વડોદરા શહેરમાં રહેતા ફરિયાદીને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેરમાર્કેટની એડ સાથેની લિંક મોકલવામાં આવી હતી. જેથી ફરિયાદીએ તેના પર ક્લિક કરતા તેઓ એક વ્હોટસએપ ગ્રુપમાં જોઈન થઈ ગયા હતા. આ ગ્રુપમાં શેરમાર્કેટમાં રોકાણ બાબતેની ટીપ્સ આપવામાં આવતી હતી. ત્યારબાદ ઠગોએ વેબસાઇટ પર તેમનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેઓએ ટ્રેડિંગ પ્લાન્સ ખરીદીશો તો સારો પ્રોફીટ થશે તેવી લાલચ આપી હતી. જેથી ફરિયાદી તેમના જાસામાં આવી ગયા હતા અને ઠગોના કહ્યા મુજબ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટુકડે ટુકડે રૂ. 62.47 લાખ ટ્રાન્સફર કર્યા હતા. વેબસાઇટના પોર્ટફોલીયોમાં ફરિયાદીને પ્રોફિટ સાથેની રકમ બતાવીને તેમનો વિશ્વાસ કેળવવા માટે રૂ. 47 હજાર પરત કર્યા હતા. જ્યાંરે બીજી વાર ફરિયાદી વેબસાઈટ માંથી રૂપિયા વિડ્રો કરવાં જતા વધુ નાણા ભરવા જણાવ્યુ હતું. જેથી તેઓને પોતાની સાથે રૂ. 62 લાખની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે ઠગાઈના બંને આરોપી કાનપુર જેલમાં સજા કાપી રહયા છે. જેથી સાયબર ક્રાઇમ પોલીસે ત્યાંની સેન્ટ્રલ જેલમાંથી મોહમદ જાવેદ અખ્તર જબ્બાર અને સ્વાલેહ શકિલ અહમદની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી વડોદરા લાવ્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી છે.