Vadodara

વડોદરા : રૂપિયા ચૂકવ નહીં તો તારું મકાન અને દુકાન મને લખી આપ,વ્યાજખોરની વેપારીને ધમકી

રણોલી ખાતે ઓટો પાર્ટ્સની દુકાન ધરાવતા વેપારી એ વ્યાજખોર મિત્ર પાસેથી રૂ.12 લાખ વ્યાજે લીધા હતા. શરૂઆતમાં નિયમિત રૂપે વ્યાજ તેઓ ચૂકવતા હતા પરંતુ સમય જતા પરિસ્થિતિ સારી ન હોય વ્યાજ ચૂકવાતું ન હતું. જેથી વ્યાજખોર રૂ. 12 લાખનાં વ્યાજ સહિત 15 લાખની માંગણી કરતો હતો. જો મારા રૂપિયા ન આપવા હોય તો તારું મકાન અને દુકાન મને લખી આપ તેવી ધમકી આપતો હતો. રૂપિયા નહીં આપે તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ધમકાવતા વેપારીએ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના છાણી ગામમાં આવેલા રુદ્રાક્ષ હેવનમાં રહેતા મહેશભાઈ કિશોરભાઈ સાયાણી રણોલી ખાતે શ્રીજી ઓટો નામની ઓટો પાર્ટની દુકાન ચલાવે છે. તેમને રૂપિયાની જરૂર પડતાં તેઓએ વ્યાજનો ધંધો કરતા મિત્ર દેવેન મહેતા કે જેઓ નિઝામપુરા ખાતે મોબાઈલનો શો રૂમ હોય તેમની પાસેથી ત્રણ ટકાના વ્યાજેથી રૂ.12 લાખ અલગ અલગ સમયે લીધા હતા. રૂપિયાના બદલામાં દેવેન મહેતાએ વેપારી પાસેથી સિકયુરીટી પેટે ચાર ચેક પણ લીધાં હતા. વેપારી રૂપિયા 12 લાખનું ત્રણ ટકા લેખે નિયમીત વ્યાજ ચુકવતા હતા પરંતુ માર્ચ 2024માં તેમની આર્થિક સ્થિતિ ખરાબ થતા હપ્તો ચુકવવાનુ છેલ્લા નવ માસથી બાકી રહી ગયુ હતું. ત્યારે દેવેન મહેતાએ વેપારીને બોલાવી જણાવ્યુ હતું કે, આટલા મહિનાનું વ્યાજ અને મૂડી રૂપિયા 12 લાખ સહિત રૂ. 15 લાખ તમારે ચૂકવવાના થાય છે. જેથી તમે રૂપિયા 15 લાખનો ચેક લખી આપો તેમ જણાવતા ઓક્ટોમ્બર 2024માં તેઓએ દેવેન મહેતાને ચેક લખી આપ્યો હતો અને સાથે પ્રોમિસરી નોટ પણ વેપારી પાસેથી વ્યાજખોરે લખાવી લીધી હતી. 15 લાખ રૂપિયાના વ્યાજે દર મહીને રૂપિયા 30 હજારનો હપ્તો ચુકવવાનો નક્કી કર્યું હતું અને ત્રીસ હજાર રૂપિયાની સગવડ નહી થતા યુવકે દેવેન મહેતાને રૂપિયા 19 હજાર ઓનલાઈન ચુકવણી કર્યા હતા. દરમ્યાન અઠવાડીયામાં ત્રણ દિવસ દેવેન મહેતાને ત્યાં નોકરી કરતા સુદર્શન નામનો મરાઠી માણસ વેપારીની દુકાને આવ્યો હતો અને રૂપિયા ચુકવવા બાબતે જણાવતો હતો. ત્યારબાદ તેણે દેવેન મહેતા સાથે મોબાઈલ ફોન પર વાત કરાવતો હતો. વ્યાજખોર દેવેને તેમને ફોન પર તારે રૂપિયા ચુકવવા જ પડશે નહી તો તુ તારૂ મકાન તથા દુકાન મારા નામ પર લખી આપ નહીતો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો અને તેને મેસેજ પણ કરતો હતો. જેથી વેપારીએ છાણી પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top