મોકસીના ટ્રાવેલ્સ સંચાલકની ભાડે ફેરવવા આપેલી કાર બારોબાર સારસાના યુવકે અરવલ્લીના સાઠંબા ખાતે વેચી રૂપિયા પણ વગે કર્યાં
હત્યા કરનાર મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ, બે ફરાર
પ્રતિનિધિ વડોદરા તા.5
આણંદ તાલુકાના સારસા ગામે રહેતા યુવકે મોકસીના ટ્રાવેલ્સ સંચાલક પાસેથી કાર ત્રણ હજારમાં ભાડે ફેરાવવા માટે લીધી હતી પરંતુ આ કાર તેણે બારોબાર બે લાખમાં અરવલ્લીના સાઠંબા ખાતે વેચાણ કરી નાખી હતી. જેને રૂપિયા ટ્રાવેલર્સને પરત આપ્યા ન હોય તેની અદાવત રાખીને ટ્રાવેલર્સ સહિતના શખ્સોએ યુવકને તેની ઓફિસમાં બોલાવી લાકડી તથા પટ્ટા વડે ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ફતેગંજ પોલીસે હત્યાની આરોપીઓ પૈકી મુખ્ય સહિત ત્રણ જણાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા છે.
સાવલી તાલુકાના મોકસી ગામે રહેતા વિશ્વજીત કરણસિંહ વાઘેલા ટ્રાવેલ્સનો ધંધો કરે છે. તેણે પોતાની કાર મિત્ર પાર્થ ઉફે રવિ સુથાર (રહે. સારસા ગામ. આણંદ)ને રૂપિયા 3 હજારમાં ભાડે ફેરવવા માટે 11 ફેબ્રુઆરીના રોજ આપી હતી. પરંતુ આ કાર પાર્થ સુથારે અરવલ્લીના સાઠંબા ખાતે સોદો કરીને રૂ.2 લાખમાં વેચાણ કરી નાખી હતી અને તેના રૂપિયા પણ ચાઉ કરી નાખ્યા હતા. જેથી છેલ્લા 20 દિવસથી વિશ્વજીત વાઘેલા પાર્થ સુથારની શોધખોળ કરતો હતો. દરમિયાન 4 માર્ચના રોજ તેણે પાર્થને ફોન કરીને તેની છાણી જકાતનાકા પાસે એફએફ-2 ઇન્ફીનિટી એન્ટરપ્રાઇઝ ખાતે આવેલી ઓફિસમાં બોલાવ્યો હતો. ત્યારબાદ વિશ્વજીત વાઘેલા તથા તેમના મિત્રો દ્વારા પાર્થને ગોંધી રાખીને લાકડી તથા પટ્ટા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેને ટોર્ચરિંગ પણ કરીને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. જેના કારણે યુવક તેની ઓફિસમાં ઢળી પડ્યો હતો. જેથી માર મારનાર વિશ્વજિત સહિતના લોકોએ તેમને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે મુકી આવ્યા હતા. ત્યારે ફરજપર હાજર તબીબોએ પાર્થ સુથારને મૃત જાહેર કર્યો હતો. જેની ફરિયાદ પાર્થના ભાઇએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસ દ્વારા હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી વિશ્વજીત કરણસિંહ વાઘેલા (રહે. મોકસી), પ્રગ્નેશ ઉર્ફે ભયલુ બકુલ રાણા (રહે.છાણી), રોનકુમાર મહેન્દ્ર ચૌહાણ (રહે. છાણી )ની ધરપકડ કરી લીધી હતી. જ્યારે જયદીપ કનુ સોલંકી (રહે. ગોરવા ગામ) તથા જયદીપનો પુત્ર નહી પકડાતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
