વારંવાર ધમકી આપવાના ગુનામાં વ્યાજખોરને પાસા કરાઇ હતી
પ્રતિનિધિ વડોદરા તા.6
ગોત્રી વિસ્તારના વેપારીને ધમકી આપનાર વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજે પાસા કરીને પોલીસે જેલમાં મોકલી આપ્યો હતો. પરંતુ આરોપી વ્યાજખોર મસમોટી રકમ ખર્ચીને પાસા કેન્સલ કરાવીને 20 દિવસમાં જેલમાંથી છુટીને પરત આવી જતા ભારે ચર્ચાએ જોર પકડ્યું છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા રેસ્ટોરન્ટના વેપારીએ વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજે પાસેથી 5 ટકા વ્યાજના દરે રૂપિયા પાંચ લાખ લીધા હતા. તેનું નિયમિત રીતે વ્યાજ તેઓ ચૂકવતા હોય વ્યાજખોરના માણસોને રૂ. 5 લાખ સામે રૂ.15 લાખ ચૂકવી દીધા હતા તેમ છતાં વ્યાજખોર અને તેમના મળતીયાઓ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વારંવાર ધમકી આપતા હતા. ઉપરાંત ચેક બાઉન્સ કરવાનું કહીને ધમકાવતા હતા. જેથી આખરે કંટાળીને વેપારીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસ દ્વારા વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજે સહિત 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. પરંતુ વ્યાજખોર સહિત ચાર આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરીને 18 ડિસેમ્બરના રોજ સુરત અને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. વ્યાજખોર ઘનશ્યામ ફુલવાજે દ્વારા લોકો પાસેથી વ્યાજના ગેરકાયદે ઘણા રૂપિયા ઉઘરાવ્યા હોય રૂપિયા જોરે છુટ્યો હોય તેવુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. પોલીસ ધરપકડથી માંડીને પાસા રદ કરાવવા માટે ઘનશ્યામ ફુલબાજ દ્વારા મસમોટી રકમનો ખર્ચનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. વ્યાજખોર સહિતના 4 આરોપીને 18 ડિસેમ્બરે પાસા થઇ છે. જ્યારે 20 દિવસમાં પાસા કેન્સલ કરાવીને વ્યાજખોર આરોપી પરત આવી જતા ભારે ચર્ચાએ જોર પકડ્યું છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે જે આરોપીઓને પાસા કરવામાં આવ્યા છે તેઓની માહિતી રિવ્યુ માટે પાસા બોર્ડ પાસે જતી હોય છે. જેમાં આરોપી દ્વારા વિવિધ, બીમારી, પ્રસંગ સહિતના ટેકનિકલ કારણો રજૂ કરવામાં આવે અને તે પાસા બોર્ડને આ કારણો ચોક્ક્સ અને આધારભૂત લાગે તો પાસા અઠવાડિયામાં રદ થઇ શકે છે. બીજા કેસમાં આરોપીઓ હાઇકોર્ટમાંથી પાસા રદ કરવા માટે જતા હોય છે.