વડોદરા તારીખ 16
વડોદરા શહેરમાં પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં બ્રીજની કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે હવે વડોદરા શહેરના લાલબાગ બ્રિજ અને જેતલપુર બ્રિજ સરફેસ કરી માસ્ટિંગ સરફેશિંગ કરવાનું હોવાથી 17 જાન્યુઆરીથી આગામી 17 ફેબ્રુઆરી સુધી કામગીરી ચાલવાની છે. જેના કારણે એક મહિના સુધી આ બંને બ્રિજ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. એક મહિના સુધી બ્રિજ બંધ રહેવાના છે તેના માટેનું પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જોકે જેતલપુર બ્રિજ ઉપર વાહનોની અવર જવર આવતીકાલથી બંધ કરાશે. જેથી આવતીકાલથી હજારો વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવશે. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થાની વાહનચાલકોએ પાલન કરવાનુ રહેશે.
જેતલપુર બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં તમામ પ્રકાર વાહનો ચકલી સર્કલથી વલ્લભચોક સર્કલ જેતલપુર બ્રિજ ઉપર થઇ સૂર્યા પેલેસ ચાર રસ્તા, ભીમનાથ નાકા તરફ અવર જવર કરી શકાશે નહીં. જ્યારે જેતલપુર બ્રિજ અંડરપાસ તથા અલકાપુરી ગરનાળા અંડરપાસ તેમજ અકોટા દાંડીયાબજાર બ્રિજ થઇ જઇ શકશે.તેવી જ રીતે લાલબાગ બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં તમામ પ્રકાર વાહનો અવધુત ફાટકથી લાલબાગ બ્રિજ ઉપર જઇ શકાશે નહીં
લાલબાગ બ્રિજ ઉપર ટી પોઇન્ટ થી પ્રતાપનગર તરફ જઇ શકાશે નહીં. જ્યારે અવધુત ફાટકથી માંજલપુર સ્મશાન ચાર રસ્તા,માંજલપુર ગામ, સરસ્વતી ચાર રસ્તા,તુલસીધામ ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકશે. અવધુત ફાટકથી લાલબાગ બ્રિજ નીચે થઈ, મોતીબાગ તોપ થઇ જે તે તરફ જઇ શકશે. મોતીબાગ તોપ થી લાલબાગ બ્રિજ ઉપર, શ્રેયસ સ્કુલ ત્રણ રસ્તા થઇ જે તે તરફ જઇ શકશે.
