બે વાહનો પર જોખમી સ્ટંટ કરતા અન્ય વાહનચાલકોના માથે જીવનું જોખમ :
જેલ રોડ પરથી કાલાઘોડા તરફ જતા માર્ગ પરનો જોખમી રીતે વાહનો હંકારતા નબીરાઓનો વીડિયો વાયરલ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરા શહેરમાં અગાઉ ઘણી વખત વાહનો પર જોખમી સવારી અને અન્યના જીવજોખમમાં મૂકે તે પ્રકારે વાહનો હંકારતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. તેવામાં શહેરમાં વધુ એક આવો જોખમી સ્ટંટ કરી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાનો નબીરાઓનો વિડીયો વાયરલ થયો છે.

વડોદરા શહેરમાં ઘણી વખત લબરમુછીયાઓના વાહનો ગફલત ભરી રીતે ચલાવતા હોવાના વિડિયો સામે આવ્યા છે. આવા વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા જેતે ઈસમોને તેમને કાયદાના પાઠ પણ ભણાવવામાં આવ્યા છે. ત્યારે વડોદરામાં રોડને બાપની જાગીર સમજી આવારા ગર્દી કરનારા નબીરાઓને કારણે નિર્દોષ લોકોના માથે જીવનું જોખમ ઊભું કરવામાં આવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

રાત્રિના સમયે બેખૌફ ફરતા નબીરાઓ કાયદો વ્યવસ્થાને ગણકારતા નહીં હોવાનો આ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો વડોદરા શહેરના એસએજી હોસ્પિટલના પાછળના ભાગે જેલ રોડ તરફથી કાલા ઘોડા તરફ જવાનો વિડિયો છે જેમાં એક બાઈક પર સવાર બે યુવાનો પૈકી બાઈકને હાંકનાર યુવક સ્ટેરીંગ છોડી પોતાના પગ હવામાં સ્ટેરીંગ પાસે લઈ જઈ સ્ટંટ કરી રહ્યો છે. જ્યારે પાછળ બેસેલો યુવક બાઈક હાંકનાર યુવકને બાઝી રહ્યો છે. જ્યારે આ તમામ દ્રશ્યો બાજુમાં તેના જ મિત્રો જે અન્ય એક મોપેડ પર જઈ રહ્યા છે, તે પૈકી મોપેડ પર પાછળ બેઠેલા યુવાને પોતાના કેમેરામાં કેદ કર્યા છે. ત્યારે રીલના રવાડે ચડી કાયદાને મુઠ્ઠીમાં રાખી ફરતા આવા તત્વો પર લગામ ક્યારે લાગશે. હાલ તો વડોદરા શહેર પોલીસના ટ્રાફિક નિયમનના લીરેલીરા આ નબીરાઓએ ઉડાવ્યા છે.