ચાલકે પોતાની સાથે અન્યનો પણ જીવ જોખમમાં મૂકી દીધો :
બાજુમાંથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકે વિડિયો ઉતારી વાયરલ કર્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.30
વડોદરામાં એક રીક્ષા ચાલક ભાન ભૂલ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ચાલુ રીક્ષાએ ચાલકે દીકરીના હાથમાં સ્ટીયરીંગનું હેન્ડલ સોંપી દીધું અને પુર ઝડપે રોડ પર આ રીક્ષા જઇ રહી છે. દરમિયાન વીડિયોમાં પેરીસ નગર સોસાયટીનું બોર્ડ પણ જોવા મળી રહ્યું છે. જેથી આ વીડિયો વડોદરાના ઉત્કર્ષ સ્કુલ તરફથી કોર્ટ પરિસર તરફ જતા સમયનો હોવાનો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.
વડોદરામાં કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં છવાઇ જવા માટે અથવા તો સત્ય ઉજાગર કરવા માટે વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં નિયમોને નેવે મુકીને લોકો વર્તી રહ્યા હોય તેવા ખુલાસા થાય છે. આવો જ વધુ એક વીડિયો વડોદરાના સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. આ વીડિયોમાં જાહેર રોડ પર ચાલુ રીક્ષામાં ચાલક પોતાની સીટ પર બેઠો છે. અને સ્ટીયરીંગનું હેન્ડલ પર બાળકીના હાથ છે. આવું કૃત્ય કરીને ચાલક પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુકી રહ્યો છે. સાથે જ માસુમ બાળકીમાં ટ્રાફિકના ખોટા સંસ્કારોનું સિંચન કરી રહ્યો છે. આ વીડિયો અન્ય વાહન ચાલકે પોતાના ફોનમાં કંડાર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવે છે.
