Vadodara

વડોદરા : રાવપુરામાં રેલવે પોલીસે યુવકને ઢોર માર માર્યો, ગંભીર યુવકને SSGમાં ખસેડાયો

માર મરનાર રેલવે પોલીસના કર્મચારીઓ હોય સમગ્ર ઘટના દબાવવાનો પ્રયાસ કરાયો હોવાની ઉઠેલી ચર્ચા
વડોદરા તા.26
રાવપુરા વિસ્તારમાં રેલ્વે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી પતંગ ચગાવતા બાળકોને બહાર કાઢ્યા હતા પરંતુ ત્યાં ઉભેલા એક યુવક વચ્ચે બોલતા પોલીસે ઢોર માર માર્યો હતો. જેથી યુવકને ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ યુવકને માર મારનાર પોલીસ કર્મચારીઓ હોય સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ સૂત્રોમાં જાણવા મળી રહ્યું છે.
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં રેલ્વે પોલીસનું ગ્રાઉન્ડ આવેલું છે. જેમાં 26 જાન્યુઆરી રોજ કાકા સાહેબના ટેકરા પાસે રહેતા કેટલાક બાળકો પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પતંગ ચગાવવા માટે ગયા હતા. તે દરમિયાન રેલવે પોલીસ દ્વારા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ તરસાલી ખાતે રહેતો ચીંતન નામનો યુવક ત્યાં ઉભો હોય તેણે દખલગીરી કરતા તેને રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેથી યુવકને ગંભીર ઇજાઓ પહોચતા તાત્કાલિક સારવાર માટે એસ એસ જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાવપુરા પોલીસ દ્વારા હોસ્પિટલની વર્દીના આધારે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ યુવકે પણ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવા માટેની તજવીજ હાથ ધરી છે.પરંતુ સામે માર મારનાર રેલવે પોલીસના કર્મચારીઓ હોવાથી સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાકા સાહેબના ટેકરા પાસે બિન્દાસ્ત રીતે દારૂ વેચાતો હોય બુટલેગર સામે કાર્યવાહી તો કરાતી નથી અને રેલવે પોલીસે નિર્દોષ યુવકને માર મારવો કેટલો યોગ્ય તેવા સવાલ ઊભા થયા છે.

Most Popular

To Top