અકોટા બ્રિજ સોલાર પેનલ ખાતે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ વિતરણ કરાયા
માર્ગ સુરક્ષા રેલીમાં દોઢ હજાર જેટલા લોકોએ ભાગ લીધો
વડોદરા તા.20
વડોદરા શહેરના અકોટા બ્રિજ સોલાર પેનલ ખાતે સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ વિભાગના કર્મચારીઓ સહિત દોઢ હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન બનેલા રાજ્ય પોલીસ વડાના હસ્તે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ વિતરણ કરાયા હતા. જેમાં વિકાસ સહાયે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત નો ભોગ ન બને તેના માટે ફરજિયાત હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવા માટે અપીલ કરી હતી.

વડોદરા શહેરના અકોટા બ્રિજ સોલાર પેનલ ખાતે 20 ઓગસ્ટના રોજ રાજ્ય પોલીસ વડા ફોર્સ ગુજરાત વિકાસ સહાય રાજ્યના અધ્યક્ષ સ્થાને માર્ગ સુરક્ષા રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક તથા પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ, હોસ્પિટલના સ્ટાફ, સંસ્થા તથા સિક્યુરિટી ગાર્ડ અને એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિતના દોઢ હજાર જેટલા લોકો દ્વારા માર્ગ સુરક્ષા રેલીમાં ભાગ લેવામાં આવ્યો હતો. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, અધિક પોલીસ કમિશનર ડો.લીના પાટીલ સહિતના અધિકારીઓ દ્વારા માર્ગ સુરક્ષા બાઈક રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્ય પોલીસવડા અને પોલીસ કમિશનરના હસ્તે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં માર્ગ અકસ્માતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. જે ઘણો ચિંતાજનક વિષય છે. ત્યારે અકસ્માતના ગુનાને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ 15 સપ્ટેમ્બરથી હેલ્મેટના કાયદાનું કડક રીતે અમલ કરવામાં આવશે તેવું વડોદરા પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્ય પોલીસ વડાએ ઉમેર્યું હતું કે સેલ્ફ ડિસિપ્લિન અને સિવિક સેન્સ તમામ લોકોએ જાળવવું જોઈએ. ઉપરાંત અકસ્માતમાં મોત ન થાય તેના માટે ટુ વ્હીલર ચાલકોને મીડિયાના માધ્યમથી ફરજિયાત હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવા માટે અપીલ પણ રાજ્ય પોલીસ વડા દ્વારા કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગ સુરક્ષા રેલીમાં દોઢ હજાર ઉપરાંતના પોલીસ કર્મચારીઓ સહિતના લોકોએ ભાગ લીધો હતો.