પ્રતિનિધિ વડોદરા તા.29
ડભોઇ તાલુકાના રાજપુરા ગામે ઓરસંગ નદીમાં માછલી પકડવા માટે ગયેલા યુવકનો પગ લપસતા નદીમાં પાણી ખાબક્યો હતો. ત્યારે યુવક મગરે તેના પર હુમલો કર્યા બાદ તેના મૃતદેહને જડબામાં લઇને નદીમાં આટાફેરા મારતો હતો. તે દરમિયાન વન વિભાગ તથા નાવિકોએ મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢી ડભોઇ રેફરેલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના કારણે તમામ નદીઓમાં ગાંડીતુરી બની હતી અને બે કાઢે વહેવા લાગી હતી. દરમિયાન ડભોઇ તાલુકાના રાજપરા ગામે રહેતો અમિત વસાવા (ઉં.વ.35) તેમના ગામમાંથી પસાર થાત ઓરસંગ નદીમાં માછલી પકડવા માટે ગયો હતો. તે દરમિયાન તેનો પગ લપસતા નદીના પાણી ડૂબવા લાગ્યો હતો. દરમિયાન ઓરસંગ નદીમાં લટાર મારતા મગરે યુવક પર હુમલો કર્યો હતો. મગર તેને ખેચીને પાણીમાં લઇ ગયો હતો અને ફાડી ખાધો હતો. મગર યુવકને ખેંચી ગયો હોવાની જાણ વન વિભાગ તથા નેચર હેલ્થ ફાઉન્ડેશન ચાણોદને થતા નાવિકો મશીન બોટની મદદથી જોખમી રીતે ઓરસંગ નદીના પાણીમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે મગર યુવકના મૃતદેહને તેના જડબામાં લઇને નદીમાં આટાફેરા કરી રહ્યો હતો. જેથી તેઓએ મગરના મુખમાંથી યુવકના મૃતદેહને ભારે જહેમતબાદ બહાર કાઢી ડભોઇ રેફરલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.