વડોદરા તારીખ 13
રણોલી જીઆઇડીસીમાં આવેલા રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં એસઓજી પોલીસે રેડ કરીને ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં સ્થળ પરથી ઘરેલુ ગેસના બોટલમાંથી કોમર્શિયલમાં પાઈપ વડે ગેસની ચોરી કરતા સુપરવાઇઝર અને ડ્રાઇવર સહિતના મળતિયાંઓ મળી 10 લોકોની ધરપકડ કરાઈ હતી. ભારત તથા ઇન્ડિયનના 174 ઘરેલુ તથા કોમર્શિયલ ગેસના બોટલો, પાંચ ટેમ્પા રોકડ રકમ અને 9 મોબાઈલ સહિત રૂ.7.26 લાખનો મુદ્દામાલ કબજે કરીને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં વિવિધ ગેસ એજન્સીઓ દ્વારા ઘરેલુ ગેસ ડિલિવરી કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ કેટલાક લાલચી સુપરવાઇઝરો અને ડ્રાઇવરો સહિતના મળતીયાઓ દ્વારા બોટલોમાંથી ગેસની ચોરી કરીને આ બોટલો વેચી દેવાનું રીતસરનું કૌભાંડ આચરવામાં આવતું હોય છે. જેના પર એસઓજીની ટીમ સતત વોચ રાખતી રહે છે.12 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે એસઓજી પી આઈ એસડી રાત્રા ની સૂચના મુજબ ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે જવાહર નગર રણોલી જીઆઇડીસી માં રાઘવ ઇન્ડસ્ટ્રીયલ માં આવેલા પ્લોટ નંબર 4 માં ભારત શ્રીનાથજી ગેસ એજન્સીના ગોડાઉન ની દિવાલોની આડમાં એજન્સીના સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ ટેમ્પોને ડ્રાઇવરો તથા હેલ્પરો તેમજ મળતીયા ભેગા મળીને ભારત ગેસના ઘરેલુ બોટલના સીલપેક ખોલી પાઇપ વડે ઇન્ડિયન ગેસ એજન્સીના કોમર્શિયલ ખાલી બોટલમાં ભરી ત્યારબાદ આ બોટલોને રીપેકિંગ કરીને ગ્રાહકોને સપ્લાય કરવાનું કૌભાંડ આચરવામાં આવે છે. હાલમાં પણ આ ગેસ ચોરીની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. જેના આધારે જેના આધારે એસઓજીની ટીમે રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં ગોડાઉનમાં રેડ કરી હતી. ત્યારે સ્થળ પર ભારત ગેસના ઘરેલુ બોટલમાંથી પાઇપ દ્વારા ઇન્ડિયનના કોમર્શિયલ બોટલમાં ગેસની ચોરી કરતા 10 જેટલા શખ્સો ઝડપાઈ ગયા હતા. એસઓજી પોલીસે સ્થળ પરથી ભારત ગેસના બોટલ 186, ઇન્ડિયન ગેસના કોમર્શિયલ બોટલ આઠ, રિફિલિંગ કરવાના સાધનો, વજન કાંટા પાંચ, અંગજડતીમાંથી મળી આવેલા રોકડા રૂપિયા, મોબાઈલ 9, થ્રી વ્હીલર ટેમ્પો પાંચ ડિલિવરી ચલણ 184 મળી રૂ. 7.26 લાખનો મુદ્દામાલ કબજે કરી જવાહર નગર પોલીસને સોંપવામાં આવ્યો છે.