Vadodara

વડોદરા: રખડતા ઢોરે વધુ એક યુવકનો ભોગ લીધો

રણોલી ખાતે કોન્ટ્રાક્ટરને ટિફિન આપવા જઈ રહેલા યુવકની બાઈક સાથે ગાય ભટકાઈ, રોડ પર પટકાયેલા યુવકનું મોત

વડોદરા તા.9
વડોદરાના નંદેસરી ગામે રહેતો 47 વર્ષીય યુવક કંપનીમાં કોન્ટ્રાક્ટરને ટિફિન આપવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન ગાયની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં તેઓ રોડ પર પટકાયા હતા અને યુવકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે એસએસજી બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે વડોદરામાં રખડતા ઢોરના કારણે વધુ એક નિર્દોષ યુવકનો ભોગ લેવાતા પાલિકાની ઢોર પકડવાની કામગીરીના ફરી લીરેલીરા ઉડ્યા હતા.
વડોદરા જિલ્લાના નંદેસરી ગામે રહેતા જીઆઇડીસી કોલોનીમાં રહેતા ધનંજય હનુમંત રાજન (ઉં.વ.47) રણોલી ખાતે આવેલી કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હતો. દરમિયાન 2 જુલાઈના રોજ સાંજના સાડા સાત વાગ્યા ની આસપાસ યુવક પોતાની કંપનીના કોન્ટ્રાક્ટર દેવેન્દ્ર પરમારને ટિફિન આપવા માટે બાઈક લઈ નીકળ્યો હતો. આશરે આઠેક વાગ્યાની આસપાસ રણોલીથી જૂના મહાદેવ મંદિરની બાજુમાં રોડ ઉપર ગાય આવી જતા ધનંજય રાજનની બાઈક સાથે રખડતી ગાય અથડાઈ ગઈ હતી. જેમા તેઓ રોડ પર પટકાયા હતા. જેના તેમણે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં પ્રથમ સારવાર એસએસજી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે છાણી ખાતે આવેલ શ્રીજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સારવાર દરમિયાન 8 જુલાઈના રોજ તેમનું મોત નીપજ્યું હતું. ધનંજયભાઈને સંતાનમાં બે બાળકો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં રખડતા ઢોરોના કારણે અવારનવાર નિર્દોષ લોકોના મોત નીપજતા હોય છે, શહેરમાં ઢોર પકડવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ ઢોરોનો ત્રાસ ઘટવાનું નામ લેતો નથી.
ત્યારે વધુ એક યુવકનું રખડતા ઢોરના કારણે મોત નીપજતા મૃતક યુવકના ભાઈએ જવાહર નગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top