Vadodara

વડોદરા : રખડતા કૂતરાઓનો આતંક,ગાર્ડનમાં જતા બાળકને કૂતરાએ પકડી લેતા પિતાએ બચાવ્યો

અકોટા રાધાકૃષ્ણ ગાર્ડનમા ચાલવા આવતા લોકોને હાલાકી :

સિક્યુરિટી શોભાના ગાંઠિયા સમાન બની :

( પ્રતિનિધિ )વડોદરા,તા.10

વડોદરા શહેરમાં ફરી એક વખત રખડતા કૂતરાઓનો આતંક સામે આવ્યો છે. અકોટા વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ ગાર્ડનમાં એક બાળક આવતા જ કુતરાઓએ તેને પકડી લીધું હતું. બુમરાણ થતાં જ બાળકના પિતાએ તેને બચાવ્યો હતો. ઘટનાને લઇ બાળકના પિતાએ તંત્ર સામે આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં રખડતા કૂતરાઓને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ આજ દિન સુધી રખડતા કુતરાઓ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતા આજે પણ જે તે વિસ્તારના લોકો કુતરાઓના ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રાધાકૃષ્ણ ગાર્ડનમાં એક બાળકને કુતરાએ પકડી લીધું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અકોટા વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ ગાર્ડનમાં એક બાળક ગાર્ડનના ગેટની અંદર પ્રવેશતા કૂતરાએ તેને પકડી લીધું હતું. બાળકે બુમરાણ મચાવતા ત્વરિત તેના પિતા દોડી આવ્યા હતા અને પોતાના બાળકને બચાવ્યું હતું. પિતાએ આક્ષેપ કર્યા હતા કે, ગાર્ડનમાં વારંવાર રજૂઆત કરવા છતાંય સિક્યુરિટી પણ ધ્યાન આપતી નથી. 10 થી 12 જેટલા કુતરાઓ ગાર્ડનના ગેટ પાસે અંદર હોય છે અને આવતા જતા લોકોને હેરાન પરેશાન કરે છે. સિક્યુરિટીને પૂછવામાં આવે છે તો કહે છે મારી જીમ્મેદારી હોતી નથી. કૂતરાઓ કરડે તો હું શું કરું ? તેવા જવાબ આપે છે. સિક્યુરિટીવાળા તેમની ડ્યુટી અંદર હોય છે, તો તેઓ બહાર ફરતા રહે છે તેવા આક્ષેપ પણ કર્યા હતા.

Most Popular

To Top