વડોદરા તારીખ 14
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં નશો કરેલી હાલતમાં કાર ચલાવીને ત્રણ વાહનોને અડફેટે લેતા એક મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય સાત લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં પોલીસે કાર ચાલકનું મેડિકલ કરાવ્યું હતું તથા રેપિડ ટેસ્ટ પણ કરતા તેણે ડ્રગનો નશો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે કાર ચાલક રક્ષિત ચોરસિયા વિરુદ્ધ માનવ વધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે નશો કરેલી હાલતમાં કાર ચલાવનાર રક્ષિત ચોરસીયાએ હોળીના રાત્રે 13 માર્ચના રોજ ત્રણ વાહનોને અડફેટમાં લીધા હતા. જેમાં હેમાલીબેન નામની મહિલાનો ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય સાત લોકોને ઇજા પહોંચતા સારવાર માટે એસએસજી સહિતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત કર્યા બાદ નશામાં ચકનાચૂર બનેલા રક્ષિત ચોરસિયાએ ટોળાને દૂર કરવા માટે જોરજોરથી બૂમો પાડવા લાગ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ રક્ષિત ચોરસિયાને બરાબરનો મેથીપાક ચખાડીને કારેલીબાગ પોલીસને સોપ્યો હતો. પોલીસ દ્વારા બંને આરોપીઓના રેપિડ ટેસ્ટ કરતા ડ્રગનો નશો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. કારેલીબાગ પોલીસે કાર ચાલક રક્ષિત ચોરસીયા વિરુદ્ધ બીએનએસ 105, 281, 125 (એ)125 (બી) 324 (5 ) મોટર અને એમવી એક્ટ ની 177 184 કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
