ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું
વડોદરા: વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા યુવક પર સંવાદ કવાટર્સ ખાતે નાણાની જૂની અદાવતે ચાકુના પાંચ થી છ વપરા છાપરી ઘા ઝીંકીને જીવલેણ હુમલો કરનાર ચાર આરોપીની વારસિયા પોલીસે ધરપકડ કરી લીધી હતી. આજે ચાર માથાભારે આરોપીઓનું સંવાદ ક્વાર્ટર્સમાં સરઘસ કાઢ્યું હતું અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

વડોદરા શહેરમાં 16 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે હરણી વારસિયા રીંગરોડ પર આવેલા સંવાદ કવાટર્સમાં જાહેર રોડ ઉપર નાણાની બાબતે અગાઉ થયેલા જૂના ઝઘડાની અદાવત રાખીને ચાર માથાભારે તત્વોએ ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા ગૌરવ સિંગ નામના યુવકને ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. મોડી રાત્રિના સમયે યુવક પર ચાકુના ઘા ઝીંકતા લોકોના ટોળા ભેગાં થઈ ગયા હતા. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વારસિયા પોલીસ દ્વારા ટેકનિકલ હ્યુમન સોર્સના આધારે ગણતરીના કલાકોમાં આ યુવકની હત્યાનો પ્રયાસ કરનાર સંકેત ઉર્ફે કાંચો રાજ, સુમિત મકવાણા, નીતિશ ઉર્ફે બાબા સિંગ અને વિશાલ શ્રીમાળીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

18 સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ વારસિયા પોલીસ દ્વારા આ ચાર આરોપીઓને પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળ સવાદ ક્વાટર્સમાં લઈ જવામાં આવવામાં આવ્યા હતા અને તમામ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. ઉપરાંત પોલીસે કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો તેના માટે આરોપીઓ સાથે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.