એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મેસેજ કરીને યુવતીને ડીનર પર બોલાવી, ભાઈ સહિત 3 શખ્સે તાલીબાની સજા આપી
વડોદરા તા.17
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ વાઘોડિયાની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ યુવતીને પ્લાનિંગ કરી ડિનર પર બોલાવ્યો હતો.
પરંતુ ઓફિસમાં બંધક બનાવીને યુવતીના ભાઈ સહિતના લોકોએ ભેગા મળીને યુવકને જાણે તાલીબાની સજા આપી હોય તે રીતના ઢોર માર મારતો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે આ માર મારનાર 2 યુવક સામે અટકાયતી ભરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા જિલ્લાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકને શહેરની એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. પછી તેઓ મોબાઇલ પર મેસેજથી વાતો કરતા હતા અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. વેલેન્ટાઇન ડેના રોજ યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કરીને ડિનર માટે બોલાવી હતી. જેની જાણ યુવતીના ભાઇને થઈ ગઇ હતી. યુવતીનો ભાઇ અને યુવક બંને સારા મિત્રો છે. જેથી યુવતીના ભાઇએ યુવકને અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક કોમ્પ્લેક્ષની ઓફિસમાં બોલાવ્યો હતો અને ત્યાં યુવતી પણ હાજર હતી. યુવતીના ભાઇ સહિત ચાર થી પાંચ લોકોએ યુવકને તાલિબાની સજા આપતા હોય એમ ઢોર માર માર્યો હતો. યુવતીએ પણ યુવકને લાફા ઝિંક્યા હતા અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વીડિયો વાયરલ થતાં અકોટા પોલીસ એક્શનમાં આવી હતી અને ફરિયાદી અને યુવકને માર મારનાર બે યુવકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં બદનામીના ડરથી યુવકે પોલીસ ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી. જેથી પોલીસે 2 આરોપી સામે અટકાયતી પગલા ભરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.