Vadodara

વડોદરા: મ્યુ. કમિશનરની તાકીદ છતાં ફાયર વિભાગે વાહનોના ઇન્સ્યોરન્સ કરાવ્યા નહીં

ફાયર વિભાગ જાણે કોર્પોરેશનના નિયંત્રણમાં જ ન હોય તેવી સ્થિતિ
ફુલ કવરેજ ઇન્સ્યોરન્સ કરાવવો કે ફક્ત થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ તે અંગે હજુ સુધી નિર્ણય લેવાયો નથી

વડોદરા : મહાનગરપાલિકાના ફાયર વિભાગની કામગીરી પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. અગ્નિશામક દળના કેટલાક વાહનો છેલ્લા બે માસથી ઇન્સ્યોરન્સ અને PUC વગર ચાલી રહ્યા છે. મહત્વનું એ છે કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી હોવા છતાં ફાયર વિભાગે અત્યાર સુધી જરૂરી પગલાં લીધા નથી. જેના કારણે વિભાગની બેદરકારી સામે ચર્ચાઓ તેજ બની છે. કમિશનરે ઇન્સ્યોરન્સ કરવા માટે પરમિશન કેટલાય સમય પહેલા જ આપી દીધી છે. છતાં, ફાયર વિભાગે હજી સુધી ઇન્સ્યોરન્સ નથી લીધું. એક સપ્તાહ અગાઉ જ કમિશનરે ફાયર વિભાગના બેદરકાર અધિકારીઓનો ઉધડો લીધો હતો. તેમ છતાં હાલની સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. આ મામલે મહાનગરપાલિકાના ઉચ્ચ સ્તરે ગંભીર ચર્ચા ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ફાયર વિભાગના અધિકારીઓ હજી મૂંઝવણમાં છે કે વાહનો માટે કયા પ્રકારનો ઇન્સ્યોરન્સ લેવો. ફુલ કવરેજ ઇન્સ્યોરન્સ લેવો કે ફક્ત થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો તે અંગે હજુ સુધી નિર્ણય લેવાયો નથી. આ દરમ્યાન વિભાગે માત્ર અલગ અલગ કંપનીઓ પાસેથી કોટેશન જ મેળવ્યું છે, પરંતુ અંતિમ નિર્ણય સુધી પહોંચી શક્યા નથી.

વડોદરા શહેરમાં ફાયર વિભાગનું મહત્વ ધ્યાનમાં લઈએ તો આવી બેદરકારી ગંભીર માનવામાં આવી રહી છે. આગની ઘટનામાં જીવ અને માલમિલ્કત બચાવવા માટે અગ્નિશામક દળનું યોગ્ય રીતે કાર્યરત રહેવું જરૂરી છે. પરંતુ જો વાહનો કાયદેસર દસ્તાવેજો વગર ચાલી રહ્યા છે તો કોઈ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

નોંધનીય છે કે, કમિશનરની પરમિશન છતાં ફાયર વિભાગ કેમ મોડું કરી રહ્યું છે. વિભાગના બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માંગ ઉઠી રહી છે. હાલની પરિસ્થિતિએ સ્પષ્ટ કર્યું છે કે ફાયર વિભાગ જાણે કોર્પોરેશનના નિર્દેશમાં જ ન હોય તેવી રીતે કાર્ય કરી રહ્યું છે.

વડોદરા ફાયર વિભાગમાં સસ્પેન્શન અને ગોટાળાના વિવાદો

ફાયર વિભાગના તત્કાલીન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ છેલ્લા એક વર્ષથી સસ્પેન્ડ છે. આ સસ્પેન્શન બાદ તપાસના આદેશ અપાયા. પરંતુ, એક વર્ષ બાદ હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. પાર્થ બ્રહ્મભટ્ બાદ અન્ય એક ફાયર ઓફિસરની ચાર્જ અપાયો. આ ફાયર ઓફિસરે પોતાના ટૂંકા કાર્યકાળમાં 300 થી વધુ ફાયર NOC ઇસ્યૂ કરી દીધી. એ પછી, નવા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલની નિમણૂક થઈ. તેમને પણ ટૂંકા ગાળામાં ફાયર સાધનોની ખરીદીમાં ગોટાળા મામલે સસ્પેન્ડ કરાયા છે. આમ, ફાયર વિભાગ જાણે વિવાદોનું બીજુ ઘર બની ગયો હોય તેવી સ્થિતિ છે.

Most Popular

To Top