રોજની 600 મિલકતોને તાળાં અને 60 હજારને નોટિસ; 2003 પહેલાના વેરામાં 100% વ્યાજ માફી સાથે રજાના દિવસોમાં પણ કચેરીઓ ધમધમશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2025-26 ના અંતિમ મહિનાઓમાં વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા માટે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા આ વર્ષે કુલ ₹790 કરોડના વેરા વસૂલાતનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે, જેની સામે અત્યાર સુધીમાં ₹525 કરોડની વસૂલાત પૂર્ણ થઈ ચૂકી છે. બાકી રહેતી ₹265 કરોડની રકમ મેળવવા માટે હવે તંત્ર દ્વારા સામૂહિક સીલિંગ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર, શહેરના તમામ 19 વોર્ડમાં રેવન્યુ વિભાગની ટીમો સક્રિય થઈ છે. ખાસ કરીને બિન-રહેણાંક એટલે કે કોમર્શિયલ મિલકતો જેમનો વેરો લાંબા સમયથી બાકી છે, તેવી મિલકતો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. હાલની સ્થિતિએ શહેરમાં દરરોજ અંદાજે 600 જેટલી બિન-રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ, રહેણાંક મિલકતોના બાકીદારોને પણ ચેતવણી આપતા અત્યાર સુધીમાં 60 હજાર જેટલી નોટિસો પાઠવવામાં આવી છે.
તંત્ર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વેરાની આવક વધારવા માટે તમામ વોર્ડ કચેરીના રેવન્યુ વિભાગો રજાના દિવસોમાં પણ કાર્યરત રહેશે. બીજા અને ચોથા શનિવાર તેમજ તમામ રવિવાર અને જાહેર રજાઓના દિવસે પણ નાગરિકો વેરો ભરી શકશે. જોકે, માત્ર ધુળેટીના તહેવારના દિવસે રજા રહેશે. મિલકત વેરા ઉપરાંત વ્યવસાય વેરા ની રિકવરી માટે પણ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે.
વ્યાજ માફી યોજના:
વડોદરાવાસીઓ માટે દેવામુક્ત થવાની છેલ્લી તક!…
વડોદરાના જે કરદાતાઓ વર્ષોથી વેરો ભરી શક્યા નથી અને વ્યાજના પહાડ નીચે દબાયેલા છે, તેમના માટે કોર્પોરેશને ‘ગોલ્ડન ચાન્સ’ આપ્યો છે. વિશેષ વ્યાજ માફી યોજના હેઠળ વર્ષ 2003 પહેલાના તમામ બાકી વેરા પર 100 ટકા વ્યાજ માફી જાહેર કરવામાં આવી છે. જો તમે જૂના વેરાની મૂળ રકમ ભરો છો, તો વ્યાજ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે. આ રાહત માત્ર મર્યાદિત સમય માટે જ છે, ત્યારબાદ કોર્પોરેશન દ્વારા મિલકત જપ્તી જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે. સીલિંગની શરમજનક સ્થિતિથી બચવા આજે જ વેરો ભરો!