વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 માટેના નાણાકીય વ્યવસ્થાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયાનું મુખ્ય હેતુ નાણાંકીય વ્યવસ્થાને વધુ દૃઢ બનાવવાનું છે. કોર્પોરેશન દ્વારા રૂ. 200 કરોડના બોન્ડ બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આગામી નાણાકીય વર્ષ માટેના ખર્ચ અને આવકની યોજના બનાવવામાં આવશે. વિવિધ વિભાગો પાસેથી જરૂરી આર્થિક માહિતી એકત્ર કરવા માટે ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ પરિપત્ર જાહેર કર્યો છે. આ માહિતી 31 માર્ચ 2025 સુધીમાં મોકલવાની રહેશે, જેથી આગામી નાણાકીય વર્ષ માટે બજેટની યોગ્ય આયોજન કરી શકાય.
કોર્પોરેશનના નાણાકીય વર્ષ 2024-25ની સમાપ્તિ નજીક છે. નાણાંકીય વર્ષ દરમ્યાન મંજૂર કરાયેલા બજેટ અનુસાર જો કોઈ વિભાગ પાસે નાણાકીય સમર્થન બાકી હોય, તો તે સમયસર મેળવવું જરૂરી છે. તમામ ખર્ચ અને ચુકવવાપાત્ર બીલો હિસાબી શાખા મારફતે ઓડીટ શાખામાં 24 માર્ચ 2025 સુધી રજુ કરવાના રહેશે. હિસાબી શાખા/ઝોનલ કચેરીઓ આ બીલો 27 માર્ચ 2025 સુધીમાં ટેલીમાં બુક કરશે અને ઓડીટ શાખામાં મોકલશે. ઓડીટ શાખા 15 એપ્રિલ 2025 સુધીમાં મંજૂર થયેલા બીલો પાછા હિસાબી શાખા/ઝોનલ કચેરીમાં મોકલશે.
કોર્પોરેશનના નાણાકીય વર્ષ 2024-25 માટેના વાર્ષિક રિપોર્ટની તૈયારી પણ આવશ્યક છે. તમામ વિભાગોએ 20 મે 2025 પહેલાં જરૂરી માહિતી સબમિટ કરી દેવી પડશે. જો કોઈ બીલો મંજૂર ન થયા હોય, તો તેઓ “વર્ક ઇન પ્રોસેસ” તરીકે નોંધાવાશે. તેથી, વિભાગોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, તેઓ સમયસર સમીક્ષા કરી ચુકવણાં માટે જરૂરી કાર્યવાહી કરે. કૉર્પોરેશન દ્વારા નાણાંકીય વ્યવસ્થાની પારદર્શિતા અને પ્રભાવશીલતા જાળવવા માટે તમામ વિભાગોને ચોકસાઈ રાખવા સૂચના આપવામાં આવી છે. ઓડીટ શાખા દ્વારા મંજૂર ન થયેલા બીલો અંગે હિસાબી શાખાને માહિતી આપવાની રહેશે, જેથી સરકારના નાણાકીય નિયમોને અનુસરી શકાય.
