વરસાદી પાણીના નિકાલ માટે શહેરમાં પૂરજોશમાં કાંસો સફાઈ અને ઊંડા કરવાની કામગીરી
વડોદરા શહેરમાં ગત ચોમાસામાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી કાંસોની સફાઈ અને તેને ઊંડા કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને વોર્ડ નં. 3 માં સાયન્સ ફેકલ્ટી પાછળથી પસાર થતી કાંસને ઊંડી કરવાની કામગીરી હાલ પ્રગતિ પર છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પણ આ કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. છેલ્લા ચોમાસામાં ભારે વરસાદ અને પાણી ભરાવને લીધે શહેરમાં પૂરની સ્થિતિ સાથે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. એ અનુભવના આધારે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હવે વધુ સતર્ક બન્યું છે અને પ્રી-મોન્સૂન કામગીરીનો આરંભ કરી દીધો છે.
આ કામગીરી હેઠળ કાંસોને સાફ કરી તેમની ક્ષમતા વધારવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે. વરસાદ પહેલાં એ પ્રકારની સાવચેતી પૂર્વકની કામગીરીથી શહેરના લોકોને પાણી ભરાવની સમસ્યાથી રાહત મળશે અને વ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ કાર્યરત રહેશે તેવું અધિકારીઓનું માનવું છે. VMC દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા પ્રયત્નો વધુ તેજીથી હાથ ધરવામાં આવશે.
